Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

દહેગામના રખિયાલ નજીક ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા સરપંચે એસીપીને રજુઆત કરી

દહેગામ: તાલુકાના રખિયાલ ગામ પાસે આવેલા ઉદણ ગામના સરપંચ દ્વારા બેખોફ થઇ અને ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં ચાલતા દારૃના અડ્ડાઓ બંધ કરાવવા માટે ગાંધીનગર એસપીને લેખિત રજૂઆત કરી છે.
ગામના સરપંચ દ્વારા પત્રમાં લખાયું છે કે, ગામના ગેરકાયદેસર રીતે દારૃનું વેચાણ અને સેવન થઇ રહ્યું છે. જેના લીધે દારૃ પી અને છાટકા બનેલા લોકોના ભયથી ગામની મહિલાઓ સાંજે સમયે પોતાના ઘરની બહાર નીકળી શકતી નથી. કોઇ પણ રોજીંદુ કામ પણ કરવા જવું હોય તો પણ ભયમાં માહોલમાં ઘરની અંદર બેસી રહે છે.
દારૃના સેવનને લીધે ગામનું યુવાધન ગેરમાર્ગે દોરાઇ રહ્યું છે અને ગામમાં અશાંતિનો માહોલ સર્જાયો છે. આ મુદ્દે ગામના સરપંચ દ્વારા સ્થાનિક પોલીસ અને એસપીને રજૂઆત કરતો એક પત્ર લખ્યો છે.
દારૃબંધીની પોકળ વાતો વચ્ચે દહેગામ તથા આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં દારૃ વેચાતો હોય છે. સ્થાનિક પોલીસની રહેમ નજર સિવાય આ શક્ય ન હોવાનો પણ લોકો દ્વારા આક્ષેપો કરાયા હતાં.

(5:25 pm IST)