Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પતિ - સાસુએ જબરજસ્તી ડુંગળી - લસણ ખવડાવ્યું : વહુએ જેલમાં પુરાવી દીધા

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રધ્ધા રાખતી વહુ છે

અમદાવાદ તા. ૧૪ : કડીમાં રહેતી એક ૨૫ વર્ષીય યુવતીએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ઘ ગાંધીનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતી આ પરિણીતાનો આરોપ છે કે તેના પતિ અને સાસુએ તેને જબરજસ્તી ડુંગળી અને લસણ ખવડાવ્યા. અને પરિણીતાનું કહેવું છે કે આ તેના શ્રદ્ઘાની વિરુદ્ઘ છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, જયારે તેણે ડુંગળી અને લસણ યુકત ખોરાક ખાવાથી ઈનકાર કર્યો તો તેના પતિ અને સાસુએ તેના માર માર્યો. બાદમાં તેના પતિ અને સાસુએ તેના પર માતા સાથે વાતચીત કરવાનો કથિતપણ પ્રતિબંધ મુકી દીધો. જે બાદ ૧૦ જુલાઈએ પરિણીતાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતા ચાર વર્ષ પહેલા તેના ભાઈના મિત્ર સાથે પ્રેમમાં પડી હતી અને બાદમાં તેની સાથે લગ્ન કર્યા. તેનો પતિ કલોલમાં ચા અને પાનનો સ્ટોલ ચલાવે છે, જયારે યુવતી પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, 'તે પટેલ સમાજમાંથી આવે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ઘા ધરાવે છે. મારા પતિ અને સાસુએ મને ડુંગળી અને લસણ ખાવા માટે ફરજ પાડી હતી.'

આ મામલે સાંતેજ પોલીસે કહ્યું કે, પરિણીતાના પતિ રોનક પટેલ અને સાસુને ડોમેસ્ટિક વાયોલન્સ, ઈરાદાપૂર્વક હાનિ પહોંચાડવી અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.(૨૧.૮)

(11:52 am IST)