Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

MBA અને MCAના વળતા પાણી મોક રાઉન્ડમાં ૭૬% બેઠકો ખાલી

MBAમાં ૬૬% MCAમાં ૮૯%, MCA લેટરલમાં ૮૬% બેઠકો ખાલી રહી

અમદાવાદ તા. ૧૪ : એડમિશન કમિટીએ શુક્રવારે MBA-MCAના મોક રાઉન્ડનું પરિણામ જાહેર કર્યું હતું. જેમાં MBA-MCAના વળતા પાણી થયા હોવાનું જણાઈ રહ્યું છે. MBA-MCAની કુલ ૧૧,૯૩૧ બેઠકમાંથી મોક રાઉન્ડના પરિણામમાં ૮,૮૩૯ બેઠક ખાલી રહી છે. એટલે કે, ૭૪ ટકા બેઠકો ખાલી રહી છે. જયારે MCA લેટરલમાં પણ ૬ હજાર કરતા વધુ બેઠકમાંથી માત્ર ૮૩૩ બેઠક પર જ પ્રવેશ મળ્યો છે. જયારે બાકીની બેઠકો ખાલી છે.

 

પ્રાપ્ત એડમિશન કમિટીએ MBAની ૭,૮૩૬ અને MCAની ૪,૦૯૫ બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રવેશ કાર્યવાહી સાથે MCA લેટરલની ૬૧૩૬ બેઠક માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ મોક રાઉન્ડ શરૂ કર્યો હતો. મોક રાઉન્ડનું ચોઈસ ફિલીંગ પૂર્ણ થયા બાદ શુક્રવારે MBA-MCA તથા MCA લેટરલના મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાયું હતું.

MBAમાં મોક રાઉન્ડના પરિણામમાં કુલ ૭,૮૩૬ બેઠક પૈકી ૨,૬૪૫ બેઠક પર પ્રવેશ ફાળવાયો હતો. ૫,૧૯૧ બેઠક ખાલી રહી હતી. MCAમાં ૪૯૫ બેઠક પૈકી ૪૪૭ બેઠક પર પ્રવેશ ફાળવાયો હતો અને ૩,૬૪૮ બેઠક ખાલી રહી હતી. ઉપરાંત, MCA લેટરલમાં ૬,૧૩૬ બેઠક પૈકી ૮૩૩ બેઠક પર પ્રવેશ ફાળવાયો હતો અને ૫,૩૦૩ બેઠકો ખાલી રહી હતી. આમ, MBA-MCAમાં મળી કુલ ૧૧,૯૩૧ બેઠક પૈકી ૩,૦૯૨ બેઠક પર પ્રવેશ ફાળવાયો હતો અને ૮,૮૩૯ બેઠક ખાલી રહી હતી. .

આમ, કુલ બેઠક પૈકી માત્ર ૨૬ ટકા બેઠકો પર જ પ્રવેશ મળ્યો છે જયારે બાકીની ૭૪ ટકા બેઠકો ખાલી રહી છે. MBAની વાત કરીએ તો MBAમાં ૭,૮૩૬ બેઠક પૈકી ૨,૬૪૫ બેઠક ભરાઈ છે. એટલે કે, ૩૪ ટકા બેઠકો ભરાઈ છે અને ૬૬ ટકા બેઠકો ખાલી રહી છે. MCAમાં ૪,૦૯૫માંથી ૪૪૭ બેઠકો ભરાઈ છે એટલે કે, ૧૧ ટકા બેઠકો ભરાઈ છે અને ૮૯ ટકા બેઠકો ખાલી રહી છે. MCA લેટરલમાં ૬,૧૩૬ બેઠક પૈકી ૮,૩૩ બેઠક ભરાઈ છે એટલે કે, ૧૪ ટકા બેઠકો ભરાઈ છે અને ૮૬ ટકા બેઠકો ખાલી રહી છે.(૨૧.૯)

 

(11:52 am IST)