Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રાજ્યમાં શાંતિ- સલામતિ અને વિકાસની તેજ ગતિ જળવાઇ તેવા ભગવાનના આશિર્વાદ મળતા રહેશેઃ અમદાવાદમાં ૧૪૧મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ ઉપસ્થિત

દેશ સમૃદ્ધ બને તેવી ટ્વીટ દ્વારા વડાપ્રધાનનો પ્રાર્થના સંદેશઃ માનવ મહેરામણ ઉમટયોઃ લોખંડી સુરક્ષાઃ મુખ્યમંત્રી દંપતિની સારા વરસાદ માટે જગન્નાથજી પાસે પ્રાર્થનાઃ ૧૪૧મી રથયાત્રા પ્રસંગે રાજવીભુષામાં વિજયભાઈ અને નીતિનભાઈએ સોનાની સાવરણીથી રથ સાફ કર્યોઃ સવારે ૪ વાગ્યે મંગળા આરતીમાં અમિતભાઈ શાહ જોડાયાઃ ૨૫૦૦૦થી વધુ પોલીસના સુરક્ષા દળનું એ.કે.સિંઘ, ડો. કે.એલ.એન. રાવ, જે.કે. ભટ્ટ, સુભાષ ત્રિવેદી, અશોકકુમાર યાદવ, એચ.આર. મુલિયાણા વિગેરે દ્વારા સુપરવિઝનઃ સામાજિક સંદેશાઓ સાથેના ટેબ્લોઃ ભાણેજ અને ભકતોને આવકારવા મામાના ઘર સરસપુરમાં દરેક શેરીઓ રસોડા બની ગઈ

રાજકોટ, તા. ૧૪ :. 'જય રણછોડ, માખણચોર...' મંદિરમાં કોણ છે ? રાજા રણછોડ છે... તેવા ગગનભેદી નારાઓ વચ્ચે અમદાવાદની ૧૪૧મી રથયાત્રાનો વડાપ્રધાન દ્વારા લોકોની સુખ-સમૃદ્ધિના ટ્વીટ સંદેશા સાથે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથ સાફ કરી પહિંદ વિધિ બાદ અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે હૈયેહૈયુ દળાય તેવી ભકતોની ભારે ભીડ, ઢોલ-નગારા અને બેન્ડની સૂરીલી સૂરાવલીઓ સાથે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો દબદબાભેર પ્રારંભ થયો હતો.

બેટી બચાવ, બેટી પઢાવો... જેવા ગુજરાતના વિવિધ ક્ષેત્રના વિકાસ દર્શન કરાવતા ટેબ્લોવાળી રથયાત્રામાં ભજનોની રમઝટ બોલી રહી છે. અખાડા દ્વારા વિવિધ કરતબો દેખાય રહ્યા છે. લોકોને જાંબુ, મગ વગેરેનો પ્રસાદ પીરસવા સાથે બે લાખ ભાવિકોને ઉપરણા પણ પ્રસાદ સ્વરૂપે અપાય રહ્યા છે. નરેન્દ્રભાઈએ પણ પરંપરા મુજબ પ્રસાદ સામગ્રી દિલ્હીથી મોકલી છે.

ભગવાન જગન્નાથજી પરંપરા મુજબ નંદી ઘોષ નામના રથમા બિરાજમાન થયા છે. રથયાત્રાના પ્રારંભે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા નાયબ મુખ્યમંત્રીના આગમન પહેલા જ મંદિરે પહોંચી ગયા હતા. રથયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરા સાથે ઈઝરાયેલી બલુનનો જ ઉપયોગ થવાનો છે તે બાબતે ગૃહમંત્રીએ ગૌરવપૂર્વક પ્રવચનમાં એ બાબત સમાવી હતી.ચેતક કમાન્ડો, અર્ધ લશ્કરી દળના ધાડા, ઘોડેશ્વર પોલીસ, સ્નીફર ડોગ, હોમગાર્ડસ સહિતના ૨૫૦૦૦ જેટલા પોલીસ દળકટકનું સુપરવિઝન ડીજીપી કક્ષાના અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ, સ્પેશ્યલ પોલીસ કમિશ્નર ડો. કે.એલ.એન. રાવ, ક્રાઈમ બ્રાંચના વડા જે.કે. ભટ્ટ, વડોદરાથી જેમને રથયાત્રા માટે ખાસ તેડાવાયા છે તેવા સુભાષ ત્રિવેદી સંવેદનશીલ વિસ્તારોનું વિશેષ સુપરવિઝન સંભાળતા અશોકકુમાર યાદવ તથા સમગ્ર કંટ્રોલરૂમનું સુકાન જેઓને સુપ્રત થયુ છે તેવા સિનીયર એસ.પી. એચ.આર. મુલિયાણા સંભાળી રહ્યા છે.

રથયાત્રા માટે ૩ જગ્યાએ કંટ્રોલરૂમ ઉભા થયા છે. સર્કિટ હાઉસ એનેક્ષીમાંના કંટ્રોલરૂમમાં ગૃહમંત્રી, ડીજીપી વિગેરે દ્વારા નિરીક્ષણ થશે. વોચ ટાવર પર દૂરબીન સાથે ચુનંદા જવાનો મોનીટરીંગ કરી રહ્યા છે. ભાવિકોના ઘોડાપુર ઉમટયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

રથયાત્રાના પ્રારંભ અગાઉ વહેલી સવારે મંગળા આરતી થઈ હતી. જેમાં અમિતભાઈ શાહ જોડાયા હતા. મંદિરના મહંત દ્વારા અમિતભાઈને વિશેષ સાફો પહેરાવી આવકારાયા હતા. મુખ્યમંત્રીના ધર્મપત્નિ અંજલીબેન કે જેઓ સામાન્ય પ્રજાજન જેમ ઓડીયન્સમા ઉભા હતા તેઓએ પણ સારા વરસાદ અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવા સાથે ભગવાનના દર્શનનો લ્હાવો મળે એ જ મોટી વાત હોવાનું જણાવેલ. બીજી તરફ સરસપુરમાં મામાના ઘેર ભાણેજ અને ભકતોને ભાવતા ભોજનીયા માટે સરસપુરની ગલીઓમાં ઘેર ઘેર રસોડા ધમધમી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ને સતત બીજી વાર ભગવાન જગન્નાથ ની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

 મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને 141 માં વર્ષે ભગવાન ના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી  અમદાવાદ મહાનગરમાં  લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

        આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવી કૃપા વાંછના પણ આ વેળા  કરી હતી 

અષાઢી બીજ કચ્છીઓ  નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીશ્રી એ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.

        મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરના લોકો આ રથયાત્રામાં સમ્મિલિત થાય છે, ઉત્સાહ અનેભક્તિભાવ પૂર્વક તેમાં ભાગ લે છે ત્યારે ભગવાનની અવિરત કૃપા રાજ્ય પર વરસતી રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. રથયાત્રા આજે લોકોત્સવ બની છે ત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે તેવી અભ્યર્થના છે.  તેની સાથે સાથે રાજ્યના લોકોને સમૃધ્ધિ અર્પે અને ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધતી રહે તેવી આકાંક્ષા રાખીએ. ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગો આ રથયાત્રામાં અનેરા શ્રધ્ધા-ભાવથી જોડાય છે અને પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રાનું વિશેષ મહત્વ છે. અષાઢી બીજના દિવસે ભગવાનના દર્શનનું પણ એટલું જ મહત્વ છે, એમ તમેણે ઉમેર્યું હતું.

                આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ, મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(1:26 pm IST)