Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વડોદરાની કપુરાઈ ચોકડીથી ગૌ રક્ષક દ્વારા ફિલ્મી ઢબે પશુ ભરેલી ટ્રકનો પીછો કરાયો :તિલકવાડામાં 21 પશુઓ સાથેની ટ્રક ઝડપાઈ

સાગબારાના 2 વ્યક્તિઓની મહારાષ્ટ્ર કતલખાને મોકલાતી ગાયો, ભેંસોના સપ્લાયમાં સંડોવણી હોવાની આશંકા

નર્મદા જિલ્લાની તિલકવાડા પોલીસે નર્મદાના તિલકવાડા ચોકડી ખાતે કતલ ખાને લઈ જવાનાં ઈરાદે કુલ 21 પશુઓ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી.પશુઓ તથા તથા ટ્રક સહિત 17,10,000ના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓની ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.આ ટ્રકને આણંદથી મહારાષ્ટ્ર કતલ ખાતે લઇ જવાતી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.નર્મદા જિલ્લાના સાગબારાના 2 વ્યક્તિઓની મહારાષ્ટ્ર કતલખાને મોકલાતી ગાયો, ભેંસોના સપ્લાયમાં સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

વડોદરાના ગૌ રક્ષક અભિષેક આહીરને બાતમી મળી હતી કે જીજે 18 એક્સ 1265 ઈનોવા કારના પાયલોટિંગ સાથે આણંદથી જીજે 23 વી 1398 નંબરની એક ટ્રક ગેરકાયદેસર પશુઓ ભરી મહારાષ્ટ્ર કતલ ખાને જવાની છે.ભારતીય ગૌ રક્ષા દળના પ્રમુખ અભિષેક આહીર વડોદરા કપુરાઈ ચોકડી પાસે ઉભા હતા ત્યારે આ ટ્રક વડોદરાથી ડભોઈ તરફ જઈ રહી હતી, દરમિયાન એમણે પોલીસ ટીમ સાથે એ ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

ગૌ રક્ષકોની ટીમે નર્મદા પોલીસ કંટ્રોલ પર આ મામલે ફરિયાદ કરતા તિલકવાડા પોલીસે ટ્રકને રોકવા પુરી તૈયારી કરી રાખી હતી, દરમિયાન બૂંજેઠા પાસે તો બેરીકેટ તોડી ટ્રક નીકળી ગઈ હતી.જ્યારે તિલકવાડા પી.એસ.આઈ સી.એમ.ગામીત સહીતની ટીમ ટ્રકને પકડવામાં સફળતા મળી હતી.

તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરતા ટ્રક માંથી પશુ હેરાફેરી કરવાના પુરાવા વગર 2.1 લાખની કિંમતની 20 ભેંસ અને એક પાડો મળી આવ્યા હતા.આ ટ્રકને આણંદથી મહારાષ્ટ્ર તરફ લઈ જતા શબ્બીરખા અકબરખા મલેક, સુલતાન મિયા સીરાજમીયા મલેક તથા ઈમરાન પીર મહંમદ અબદાલ (ત્રણેવ રહે.સામરખા, જિ-આણંદ) ને 15 લાખની ટ્રક અને 2.10 લાખના પશુઓ મળી 17.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે પાયલોટિંગ કરતી ઇનોવા કાર ફરાર થઈ ગઈ હતી.

 

ફરિયાદી ભારતીય ગૌ રક્ષા દળના પ્રમુખ અભિષેક આહીરે આક્ષેપ લગાવ્યો હતો કે મને આરોપીઓએ પોલીસ સામે જ મારી નાખવાની ધમકીઓ આપી હતી.નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી રોજની આવી 10-15 પશુઓ ભરેલી ટ્રકો મહારાષ્ટ્ર કતલ ખાને લઈ જવાય છે, આ ઘણું મોટું રેકેટ છે.

(8:44 pm IST)