Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ગાંધીનગરમાં સે-21માં ઉભરાતી ગટરની સમસ્યાથી લોકોના સ્વાસ્થ્યને જોખમ

ગાંધીનગર:શહેરમાં તંત્ર  દ્વારા સ્વચ્છતા સર્વેની કામગીરી કરીને શહેરને સ્વચ્છ રાખી શકાય તે માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે ત્યારે આ કામગીરી પોકળ સાબિત થતી હોય તેમ ઘણા વિસ્તારોમાં ઉભરાતી ગટરો તેમજ કચરાના ઢગલાંની સમસ્યા જૈ સે થે પરિસ્થિતિમાં જોવા મળતી હોય છે અને નગરજનોને પણ હેરાન પરેશાન થવું પડે છે ત્યારે સેક્ટર-૨૧માં આવેલાં ડીસ્ટ્રીક્ટ શોપીંગ સેન્ટરમાં ફીશ  માર્કેટ પાસે આવેલાં પાર્કીંગમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે આ શોપીંગ સેન્ટરના રોજના અસંખ્ય લોકો ખરીદી અર્થે આવતાં હોય છે તો લોકોની અવર જવર પણ થતી હોય છે ત્યારે ઉભરાતી ગટરોના ગંદા પાણી સ્થાનિક વિસ્તારમાં વહેેતા હોવાના કારણે ખરીદી અર્થે આવતાં નગરજનો અને વેપારીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તો વાહનચાલકોને વાહનનો પાર્ક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે શહેરના મુખ્ય માર્કેટમાં ગટરના ગંદા પાણી ભરાતાં સ્થિતિ નર્કાગાર જેવી બની જવા પામી છે ત્યારે ગટરના ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે તો હાલમાં મહામારી ચાલી રહી છે તેવામાં ગટરના ગંદા પાણી ઉભરાવાથી રોગચાળાનો ભય પણ વેપારીઓને સતાવી રહ્યો છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. 

(6:18 pm IST)