Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરતમાં ત્રણ મહિલા સહિત છ વ્યક્તિએ આત્મહત્યા કરી

ચારે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : કોરોના કાળમાં આર્થિક સંકડામણ અનુભવતા તમામ લોકોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું : વધુ તપાસ

સુરત, તા. ૧૩  : સુરત શહેરમાં અલગ અલગ બનાવમાં નાના વરાછાની મહિલા સહિત છ જણાએ આપઘાત કરી લીધો હતો. જોકે કોરોનાકાળમાં આર્થિક સંકડામણ અનુભવતા આ તમામ લોકોએ આપઘાત કર્યા હોવાનું આવ્યુ છે. કિસ્સો-૧ સુરતના  નાના વરાછા સ્થિત જલારામ સોસાયટીમાં રહેતા દક્ષાબેન ધીરજલાલ માવાણી ( ઉં . વ .૫૫ ) એ શુક્રવારે ઘરમાં ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો . તેમના પતિ અને પુત્ર ટેલરીંગ કામ સાથે સંકળાયેલા છે. કોરોનાને લઈ કામધંધો બરાબર ચાલતો નહીં હોવાથી તેમણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળે છે.

બીજા બનાવમાં કાપોદ્રામાં આવેલી મધુવન સોસાયટીમાં રહેતી સેજલબેન બિપીનભાઈ મકવાણા ( ઉં.વ .૩૧ )એ શુક્રવારે ઘરમાં ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. તેણીના આપઘાત પાછળનું કારણ પોલીસ જાણી શકી નથી. મૃતક સેજલબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે . બનાવ અંગે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે.

પુણાગામમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતા ભવાનભાઈ ગલાભાઈ કાકડિયા ( ઉં.વ .૩૩ ) અગાઉ રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા અને હાલ બાંધકામનું કામ શીખી રહ્યાં હતા. ગત દરમિયાન બુધવારે ભવાનભાઈએ પુણાગામ , રેશ્મા ચોકડી પાસે ઝેર પી પરિચિતને ફોન કર્યો હતો ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું .

કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે શક્તિનગર સોસાયટીમાં રહેતો મહિપાલ સુરજમલ મનાત ( ઉં.વ .૧૯ ) રત્નકલાકાર તરીકે કામ કરતો હતો . દરમિયાન મૂળ રાજસ્થાન , ડુંગરપુરના વતની મહિપાલે શુક્રવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાત પાછળનું કારણ કતારગામ પોલીસ જાણી શકી નથી

મૂળ ઝારખંડનો વતની બાસુ મુરમુ શેકેલ મુરમુ નામનો યુવક ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં નોકરી કરી લેબર કોલોનીમાં રહેતો હતો. દરમિયાન શુક્રવારે બપોરે તેણે કોઈ અગમ્ય કારણસર લેબર કોલોનીમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે મોટા વરાછા સ્થિત ગોકુલધામ સોસાયટીમાં રહેતી ક્રિષ્ણાબેન ચંદુભાઈ રાડદીયા ( ઉં.વ .૨૨ ) એ શુક્રવારે બપોરે ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

(9:46 pm IST)