Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સત્તામાં આવ્યા બાદ રામનું નામ લેતા નથી : શંકરાચાર્ય

રામ નામનો ઉપયોગ માત્ર વોટ માટે થાય છે : જગન્નાથ પુરી ગોવર્ધનપીઠ ખાતેના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ વડોદરામાં ફરીથી રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો

અમદાવાદ, તા.૧૪ :      જગન્નાથ પુરીના ગોવર્ધનપીઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી ઘૂંટણના ઓપરેશન માટે છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં છે. શંકરાચાર્ય નિશ્ચલાનંદજી સરસ્વતીએ એક પત્રકાર પરિષદ દરમ્યાન રામમંદિર મુદ્દે બહુ સ્પષ્ટ વાત કરતાં જણાવ્યું હતું કે,  ભગવાન રામના નામનો ઉપયોગ માત્ર વોટ માટે કરવામાં આવે છે. રામના નામે વોટ લઇને સત્તા ઉપર બેસી ગયા પછી રામનું નામ લેવાતું નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ રામ મંદિર માટે અમારી લડત ચાલુ છે અને જ્યાં સુધી રામ મંદિર બને નહીં, ત્યાં સુધી લડત ચાલુ રહેશે. શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ રામમંદિરને લઇ આડકતરી રીતે મોદી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સાચા શંકરાચાર્યોની કિંમત રહી નથી.

આજના નેતાઓ શંકરાચાર્યોને પ્રચારક બનવા માટે દબાણ કરે છે. જો તેઓની વાત ન માનો તો યેનકેન પ્રકારે હેરાન કરે છે. સાચા શંકરાચાર્યોને માર્ગદર્શક રૂપમાં જોવાતા નથી. પરંતુ જે સરકારની જીહજુરી કરે છે, તેવા નકલી શંકરાચાર્યોની બોલબાલા છે. ઘૂંટણની સર્જરી કરાયા બાદ વડોદરામાં રહેતા તેમના સત્સંગીઓને સત્સંગનો લાભ આપવા માટે શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી તા.૨૬ જુન સુધી રોકાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનું શિક્ષણ અર્થ વિનાનું અને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધનું છે. આજનું શિક્ષણ વેપાર બની ગયો છે. આજનું શિક્ષણ ક્લબ કલ્ચર બની ગયું છે. જે આજની યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે. જેથી બાળપણથી જ બાળકોને શિક્ષણની સાથે સારા સંસ્કારનું સિંચન કરીશું તો જ શિક્ષણ લેખે ગણાશે. જગન્નાથ પુરીના ગોવર્ધનપીઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીની માર્મિક ટકોરને લઇ સંતસમાજમાં પણ સમર્થન મળી રહ્યું છે તો બીજીબાજુ, રાજકીય જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે ખાસ કરીને ભાજપ અને એનડીએમાં સામેલ પક્ષોમાં ઉપરોકત વાતની નોંધ લેવાઇ છે.

(8:26 pm IST)