Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સરકારની ગ્રાન્ટ મેળવતી શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓની પણ હાજરી 'ઓનલાઇન' પૂરાશે

શિક્ષણ ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવા સરકારનું વધુ એક ક્રાંતિકારી પગલુ

રાજકોટ, તા. ૧૪ : રાજય સરકારની મંજુર પ્રાપ્ત ગ્રાન્ટ ઇન એઇડ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત બિનશૈક્ષણિક કર્મચારીઓની હાજરી પણ ઓનલાઇન (બાયોમેટ્રિક) પૂરવા માટે સરકાર આગળ વધી રહી છે. ટુંક સમયમાં જ તેનો અમલ થશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શાળાઓના કારકૂન, પટ્ટાવાળા, ડ્રાઇવર, લાઇબ્રેરિયન, લેબ ટેકનિશ્યન વગેરે બિનશૈક્ષણિક કર્મચારીની વ્યાખ્યામાં આવે છે. સરકારી શાળાની જેમ સરકારી અનુદાન મેળવતી તમામ ખાનગી શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત બિનશૈક્ષણિક કર્મચારીઓની હાજરી ઓનલાઇન પૂરવા માટે તૈયારી થઇ રહી છે. ઓનલાઇન હાજરીથી કર્મચારીઓની નિયમિતતા રહેશે. જેની સીધી અસર કાર્યક્ષમતા પર પડશે. કોઇ શૈક્ષણિક સંસ્થામાં સરકારની ગ્રાન્ટ મેળવવા માટે કર્મચારીનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ હશે તો તે નિવારી શકાશે. રાજયમાં રપ હજાર જેટલા બિનશૈક્ષણિક કર્મચારીઓ હોવાનો અંદાજ છે. સરકાર શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા એક પછી એક ક્રાંતિકારી નિર્ણયો કરી રહી છે જેમાં હાજરી અગત્યની હોવાથી તે બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે.

(3:48 pm IST)