Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ચાકુની અણીએ અપહરણ કરી લીધા બાદ યુવકને માર મરાયો

નજીવી બાબતે અદાવત રાખીને હુમલો કરાયો :યુવકની ફરિયાદના આધારે એકની ધરપકડ :અન્ય ફરાર

અમદાવાદ,તા.૧૪ :એલિસબ્રિજના કોચરબ ગામમાં રહેતા એક યુવકનું સામાન્ય અકસ્માતના ઝઘડામાં ત્રણ શખસોએ અદાવત રાખી ચપ્પાની અણીએ અપહરણ કરી તેને એસજી હાઇવે પર ઝાયડસ હોસ્પિટલ પાછળ અવાવરું જગ્યાએ લઇ જઈ ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. યુવકની ફરિયાદના આધારે પાલડી પોલીસ હરકતમાં આવી હતી અને હાથ ધરેલી સઘન તપાસમાં એક અપહરણકર્તાને ઝડપી લીધો હતો. જો કે, હજુ આ પ્રકરણમાં  ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસે તેમને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે એલિસબ્રિજના કોચરબ ગામમાં આવેલા પટેલ વાસમાં કૈવન પટેલ (ઉ.વ.૨૯) તેના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાતે કૈવન પોતાનું એક્ટિવા લઇ મલાવ તળાવ પાસે આવેલા અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત આવતો હતો ત્યારે પાલડી વિકાસગૃહ રોડ પર પાછળથી એક એક્ટિવા ચાલકે કૈવનના એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી તેને જોઈને એક્ટિવા ચલાવો તેમ કહ્યું હતું. એક્ટિવાચાલકની પાછળ બેઠેલા એક યુવકે ઊતરી અને કૈવનને લાફો મારી દીધો હતો અને બોલાચાલી કરી હતી. દરમ્યાનમાં સ્કોર્પિયો કાર લઈને એક શખ્સ આવ્યો હતો. કેમ ઝઘડા કરો છો? ચાલો પોલીસ સ્ટેશન તેમ કહી એક્ટિવા પર આવેલા બંને શખ્સ અને કૈવન ગાડીમાં બેસી ગયા હતા. દરમ્યાનમાં કાર ધરણીધર તરફ જતાં કૈવને પોલીસ સ્ટેશન જતું રહયું કહેતાં એક્ટિવા પર આવેલા બેમાંથી એક શખસે ચાકુ બતાવી ચુપચાપ બેસી રહેવા જણાવ્યું હતું. કૈવનને ઝાયડસ હોસ્પિટલ પાછળ અવાવરું જગ્યાએ લઇ જઈ ત્રણેય શખસોએ લાકડી વડે ઢોર માર માર્યો હતો. દરમ્યાનમાં અન્ય એક શખ્સ પણ ત્યાં આવ્યો હતો અને ગાળાગાળી કરી કૈવનને માર માર્યો હતો. કૈવનનો સોનાનો દોરો લઇ અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. દરમ્યાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થકી જાણ થતાં સોલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્કોર્પિયોચાલક અને એક્ટિવા પર આવેલા બે શખ્સ ગાડી લઇ નાસી ગયા હતા જયારે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. સોલા પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેનું નામ ગોપાલ સભાડ (રહે. ઘાટલોડિયા) હોવાનું જણાવ્યું હતું. પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરનાર યુવક ભદ્રેશ ખત્રી હોવાનું ગોપાલે જણાવ્યું હતું. પાલડી પોલીસની હદમાં બનાવ બન્યો હોઈ પાલડી પોલીસે ગુનો નોંધી આરોપી ગોપાલની ધરપકડ કરી છે જયારે ફરાર ત્રણ શખ્સને ઝડપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(8:23 pm IST)