Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ભારતીય રેલવે તંત્ર હેરીટેજ ટુરિઝમ માટે વડોદરામાં સૌથી જુની ચાર નેરોગેજ લાઇનની જાળવણી કરશેઃ ૧૪૧ કિ.મી.ની આ ચારેય લાઇન ગાયકવાડ વડોદરા સ્‍ટેટ પાસે હતીઃ જો કે આઝાદી બાદ ભારતીય રેલવે સાથે તેને જોડી દેવાઇ

વડોદરાઃ હેરિટેજ ટુરીઝમ માટે ભારતીય રેલવે વડોદરામાં સૌથી જૂની 4 નેરોગેજ લાઈનની જાળવણી કરશે. નેરોગેજ લાઈનનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે ત્યારે હવે રેલવે બોર્ડે દેશમાં 5 નેરોગેજ લાઈનની જાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. ડભોઈ-મિયાગામ, મિયાગામ-માલસર, ચરોડા-મોટી કોરલ, પ્રતાપનગર-જંબુસર અને બિલિમોરા-વઘાઈ નેરોગેજ લાઈનની જાળવણી રેલવે વિભાગ કરશે. બિલિમોરા-વઘાઈ વચ્ચેની લાઈન મુંબઈના સેંટ્રલ ડિવિઝનમાં આવે છે. આ સિવાયની ચારેય લાઈન વડોદરા રેલવે સ્ટેશન અંતર્ગત છે.

હેરિટેજ ટુરીઝમ માટે ફેબ્રુઆરીમાં રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને મીટર ગેજ અને નેરોગેજ લાઈનને ઓળખીને રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું. ગયા અઠવાડિયે થયેલી મીટિંગ બાદ રેલવે બોર્ડના એક્ઝક્યુટિવ ડિરેક્ટર (હેરિટેજ) સુબ્રતા નાથે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને પત્ર લખ્યો હતો. જેમા જણાવાયું હતું કે, ઝોનલ રેલવેએ આપેલી માહિતી અને રેલવે બોર્ડના ડિરેક્ટોરેટ સાથે વિચાર-વિમર્શ કરીને વેસ્ટર્ન રેલવે અંતર્ગત 5 ચાલુ હોય તેવી નેરોગેજ લાઈનની ઓળખ કરીને હેરિટેજ ટુરિઝમ માટે તેની જાળવણી કરાશે.

રેલવે બોર્ડે વેસ્ટર્ન રેલવેને 30 જૂન સુધીમાં આ પાંચ નેરોગેજ લાઈનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સંભાવના અંગે તપાસ કરીને પોતાનું મંતવ્ય આપવાનું કહ્યું છે. રસપ્રદ બાબત છે કે, 33 કિલોમીટરની ડભોઈ-મિયાગામ વચ્ચેની લાઈન ભારતની પ્રથમ નેરોગેજ લાઈન હતી, જે 1962માં શરૂ થઈ હતી. આ 4 લાઈનનો ગેજ 2 ફૂટ 6 ઈંચનો છે. બધી જ લાઈન કાર્યરત છે. આ લાઈન પરથી દરરોજ 2-3 ટ્રેન પસાર થાય છે. જો કે તેમાં મુસાફરોની સંખ્યા ઓછી હોય છે.

141 કિલોમીટરની આ ચારેય લાઈન ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે હસ્તગત હતી. જો કે આઝાદી પછી ભારતીય રેલવે સાથે તેને જોડી દેવામાં આવી. રેલવે મંત્રાલય હેરિટેજ ટુરીઝમ અંતર્ગત આ લાઈનને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત છે. રેલવે બોર્ડના એક સભ્યએ કહ્યું કે, “આ લાઈનની જાળવણી કરવાથી પ્રવાસીઓ તેના તરફ આકર્ષાશે. આ લાઈનને બ્રોડગેજ લાઈનમાં બનાવામાં આર્થિક નુકસાન છે કારણકે અહીંથી મુસાફરી કરતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી છે. એટલે આને હેરિટેજ ટુરિઝમ તરીકે વિકસાવવામાં ફાયદો છે.

રેલવે બોર્ડના સભ્યએ કહ્યું કે, “ડભોઈ-ચાંદોદ રેલવે લાઈનની ગેજ બદલાવાની પ્રક્રિયા ચાલુ છે. અને નર્મદા જિલ્લાની કેવડિયા કોલોની સુધી આ લાઈનને લંબાવાશે. એટલે આખરે વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની રેલવે લાઈન થઈ જશે.” 2017ના કેંદ્રીય બજેટમાં વડોદરા અને કેવડિયા કોલોનીને જોડવા માટે 49 કિમીના ગેજ કન્વર્ઝેશન અને એક્સટેન્શ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. 663 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2019 સુધીમાં પૂરો કરવા પર રેલવે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાણી ભાર મૂક્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી (31 ઓક્ટોબર) પ્રસંગે પ્રધાનમંત્રી મોદી 182 મીટરની મૂર્તિનું અનાવરણ કરે તેવી શક્યતા છે.

(6:29 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST