Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

જ્યારે આ દેશના યુવાનો રોજગારની વાત કરે ત્‍યારે વચ્‍ચે ગાયનું ગોબર ન નાખતાઃ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નરેન્‍દ્રભાઇ મોદીના ડુપ્‍લીકેટ સાથે ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને નાટક બંધ કરવા સલાહ આપી

અમદાવાદઃ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મોદીના ડુપ્લિકેટ સાથેનો ફોટો ટ્વીટ કરતા વિવાદ સર્જાયો છે. મેવાણીએ આ ફોટો સાથે પીએમ માટે લખ્યું છે કે, માઓવાદી મારવાનો પ્લાન બનાવી રહ્યા છે તે ડ્રામા બંધ કરો, અને બે કરોડ નોકરીઓ આપવાના વચનનું શું થયું તેની સીધી વાત કરો. મેવાણીએ એમ પણ લખ્યું છે કે, જ્યારે આ દેશના યુવાનો રોજગારની વાત કરે ત્યારે વચ્ચે ગાયનું ગોબર ન નાખતા.

ફોટોગ્રાફમાં પીએમ મોદીનો ડુપ્લિકેટ કોઈ શખ્સ હાથ જોડીને ઉભો રહ્યો છે, જ્યારે મેવાણી તેને આંગળી બતાવી રહ્યા છે. મહત્વનું છે કે, પીએમ મોદીની હત્યા કરવાનો માઓવાદીઓ પ્લાન બનાવી રહ્યા છે તેવા સમાચાર થોડા દિવસ પહેલા જ આવ્યા હતા, જેને મેવાણીએ નૌટંકી ગણાવ્યા છે.

મેવાણીની ટ્વીટ પર અત્યાર સુધી 1300 જેટલા રિપ્લાય આવી ચૂક્યા છે, જેમાં મોટાભાગના રિપ્લાયમાં તેમની ભાષા તેમજ તેમણે મૂકેલા ફોટોગ્રાફની ટીકા કરવામાં આવી છે. કોઈક યુઝર્સે તો આવી ટ્વિટ કરવા બદલ મેવાણી સામે કેસ થવો જોઈએ તેવું પણ કહ્યું છે.

મેવાણીએ થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રની એક મહિલા પત્રકારની ફોટોશોપ્ડ તસવીર ટ્વીટર પર શેર કરી હતી. જેના બદલ તેમની સામે પુણેમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે, મેવાણીએ થોડા દિવસ પહેલા જ એવો દાવો પણ કર્યો હતો કે, તેમને ડોન રવિ પૂજારી ધમકી આપી રહ્યો છે. મેવાણીએ ફોન કોલનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું.

(6:26 pm IST)