Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આણંદમાં રેલવે કર્મચારીની હત્યાને લઈને પોલીસે બેની ધરપકડ કરી

આણંદ:ના રેલવે કર્મચારીની ૧૩ દિવસ પહેલા લાકડાના ડંડાનો માર મારીને હત્યા કરનાર બે શખ્સોની આજે શહેર પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. ગાળો બોલવાની બાબતે થયેલી તકરાર અંતે હત્યામાં પરિણમી હોવાનું પોલીસે જણાવ્યું છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૩૦મી તારીખના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે આણંદ રેલવેમાં સીગ્નલ વિભાગમાં ફરજ બજાવતા છગનભાઈ બારૈયાની લાશ પોલસન ડેરી રોડ ઉપર આવેલી ઝકરીયા મસ્જીદ પાસેથી મળી આવી હતી. જેમાં બોથડ પદાર્થથી માર મારીને હત્યા કરાઈ હોવાનું ખુલતાં શહેર પોલીસે ગઈકાલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ઘરતાં છગનભાઈ ૩૦મી તારીખે નોકરી પરથી છુટ્યા પછી મેલડી માતા ઝુંપડપટ્ટીમાં દેશી દારૂ પીવા માટે ગયા હતા. જેથી પોલીસે ત્યાં તપાસ હાથ ઘરતાં એવી હકિકત મળી હતી કે, રાજુ ઉર્ફે અશોક અને ગીરીશ દંતાણી સાથે છગનભાઈને ગાળો બોલવાની બાબતે માથાકુટ થઈ હતી

વિગતોને આધારે પોલીસે રાજુ ઉર્ફે અશોક દંતાણી વાઘરી અને ગીરીશ દંતાણી વાઘરીને ગઈકાલે ઉઠાવી લઈને પુછપરછ હાથ ઘરી હતી જેમા બન્નેએ માર મારીને હત્યા કર્યાની કબુલાત કરી લીઘી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દારૂ પીવા ગયેલા છગનભાઈએ રાજુ ઉર્ફે અશોકની સાથે ગાળો બોલવાની બાબતે તકરાર થઈ હતી. જેમાં વચ્ચે પડેલા ગીરીશ દંતાણીને પણ છગનભાઈએ ગમે તેવી ગાળો બોલતાં બન્ને શખ્સો છગનભાઈને ઝુંપડપટ્ટીના પાછળના ભાગે લઈ ગયા હતા જ્યાં લાકડાના ડંડા તથા ગડદાપાટુનો માર માર્યો હતો. જેમતેમ કરીને છગનભાઈ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા હતા અને પોલસન ડેરી રોડ ઉપર આવેલી ઝકરીયા મસ્જીદ પાસે ચક્કર ખાઈને પડ્યા હતા. તેમને છાતીમાં તેમજ માથામાં થયેલી ઈજાઓ તેમજ ગરમીના કારણે તાત્કાલીક સારવાર નહીં મળવાને કારણે મોત થયાનું પણ ખુલવા પામ્યું હતુ. પોલીસે હત્યામાં વપરાયેલા લાકડાના ડંડા જપ્ત કરીને વધુ તપાસ હાથ ઘરી છે.

(5:53 pm IST)