Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ડિજિટલ ઇન્ડિયા !! રૂપાણીનું કોઇ સત્તાવાર ઇમેલ આઇડી જ નથી!

સીએમને તેમની ઓફિસમાં કેટલા લોકો મળવા આવે છે તે અંગેનો કોઇ રેકોર્ડ રાખવામાં આવતો નથી : સીએમ સુધી જો તમારે કોઇ વાત પહોંચાડવી હોય તો વેબસાઇટ cmogujarat.gov.in મારફત જ પહોંચાડી શકાય છે

અમદાવાદ તા. ૧૪ : જો તમારે સીએમ વિજય રુપાણીને સીધા જ ઈમેલથી કોઈ ફરિયાદ કરવી હોય તો તેના માટેનો કોઈ ઓપ્શન છે જ નહીં. ખુદ ગુજરાત સરકારે જણાવ્યું છે કે, વિજય રૂપાણીનું કોઈ સત્તાવાર ઈમેલ આઈડી છે જ નહીં. એટલું જ નહીં, સીએમને તેમની ઓફિસમાં કેટલા લોકો મળવા આવે છે તે અંગેનો પણ કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી.

એક RTIના જવાબમાં ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)એ જણાવ્યું છે કે, સીએમ સુધી જો તમારે કોઈ વાત પહોંચાડવી હોય તો વેબસાઈટ cmogujarat. gov.in મારફત જ પહોંચાડી શકાય છે. આ આરટીઆઈમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, સીએમ ઓફિસ મુલાકાતીઓ પાછળ ચા-નાસ્તામાં કેટલો ખર્ચો કરે છે, જોકે તેની પણ માહિતી નથી અપાઈ.

અમદાવાદમાં રહેતા મુજાહિદ નસીફ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં સીએમના સત્તાવાર ઈમેલ આઈડી, તેમને મળવા આવતા લોકોનો રેકોર્ડ તેમજ સીએમે વિવિધ કાર્યક્રમોમાં કેટલી યોજનાઓ જાહેર કરી, અને તે યોજનાઓ માટે કોઈ કમિટી કે બોડી બાવાઈ છે કે કેમ તેની માહિતી માગી હતી.

જોકે, મુજાહિદને પોતાના એકેય પ્રશ્નનો યોગ્ય જવાબ નથી મળ્યો. GADએ તેમની RTIમાં એવો પણ જવાબ આપ્યો છે કે, સીએેમે વિવિધ કાર્યક્રમોમાં કઈ-કઈ યોજનાની જાહેરાત કરી તેની કોઈ માહિતી તેમની પાસે ઉપલબ્ધ નથી. આ માહિતી ખૂબ વિશાળ છે, અને તે અલગ-અલગ વિભાગો પાસે હોવાથી તે પૂરી પાડી શકાય તેમ નથી. સરકાર તરફથી મળેલા જવાબો અંગે નફીસનું કહેવું છે કે, તેમણે ૧૦મા મેના રોજ RTI કરી હતી. પ્રજાના રૂપિયે ચાલતી સીએમ ઓફિસ પાસે પોતાની જ રોજિંદી કાર્યવાહીનો કોઈ રેકોર્ડ નથી તે વાત ખરેખર વિચિત્ર છે.

(4:21 pm IST)