Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મેડીકલ- ડેન્ટલ પ્રવેશ માટે ડોમીસાઈલ પ્રમાણપત્ર મેળવવા વાલીઓ પરેશાન

અમદાવાદ,તા.૧૪: મેડિકલ- ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને ડોમિસાઈલ સર્ટિફિકેટ ફરજિયાત નક્કી કરાયું છે.હાલમાં મેડિકલમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી તા.૨૦મી સુધી આ કાર્યવાહી ચાલવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ- વાલીઓ ડોમિસાઈલ સર્ટિફિકેટ લેવા માટે ઠેર- ઠેર રઝળપાટ કરી રહ્યા છે.વાલીઓ કહે છે પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવતાં ડોમિસાઈડ સર્ટિફિકેટ માટે જે પ્રકારના ડોકયુમેન્ટ માગવામાં આવે છે તે ભેગા કરવામાં વાલીઓ છેલ્લા ૧૫ દિવસથી રીતસરનો રઝળપાટ કરી રહ્યા છે. વાલીઓએ આ મુદ્દે મેડિકલ પ્રવેશ સમિતિ સમક્ષ પણ ફરિયાદ કરી પરંતુ તેઓ કહે છે. ડોમિસાઈલ સર્ટિફિકેટ અંગે અમે કોઈ નિર્ણય કરી શકીએ નહીં. સરકારે જે નિર્ણય કર્યો તેનો માત્ર અમલ કરવાનું કામ અમારું છે.ડોમિસાઈલ માટે છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં રહેતા હોય તેવું એક ડોકયુમેન્ટ પણ ચાલે તેમ હોવાં છતાં પોલીસ સ્ટેશનો દ્વારા પાછલા ૧૦ વર્ષમાં કયાં કયાં રહ્યા અને કઈ સ્કૂલોમાં અભ્યાસ કર્યો તે સહિતના ડોકયુમેન્ટ માગવામાં આવી રહ્યા છે.

(4:12 pm IST)