Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ભાજપ-કોંગ્રેસના ૯-૯ સભ્યોઃ મહિલા બેઠક અનામત જાહેર થતાં ભાજપના પક્ષ પ્રમુખ જ હવે જંગે ચઢયા

વિજયભાઇના આગમનની પૂર્વસંધ્યાએ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખપદે ભૂકંપ સર્જાયો! ભારે નાલેશી ?: પ્રભારી મંત્રી કહે છે સબ સલામત : પક્ષના હિતમાં સંગઠન પ્રમુખ તેના પત્ની સાથે ભૂગર્ભમાં ગયા છે!!: ભાજપના કેટલાક સભ્યો ભૂગર્ભમાં ચાલ્યા જતાં પક્ષ પ્રમુખને આ સભ્યોને લઇ આવવા આદેશ આપ્યોઃ તેના બદલે પ્રમુખ જાતે જ અન્ડર ગ્રાઉન્ડ!!

વાંસદા તા.૧૪: ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે પ્રદેશમાંથી  મેન્ડેટ પોતાની તરફેણમાં નહીં આવે તો કોંગ્રેસનો ટેકો લઇને પણ પોતાની પત્નીને પ્રમુખપદે બેસાડવા જીદે ભરાયેલા ભાજપનના સંગઠન પ્રમુખ રમેશ ડોનને પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠકમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા સભ્યોને સ્થાનિક નેતાઓ સમક્ષ મંગળવારે રજૂ કરવાના આપેલા આદેશ બાદ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પત્ની સાથે ખુબ ભાજપા પ્રમુખ જ ભુગર્ભમાં ઉતરી જતાં ડાંગ સહિત પ્રદેશ ભાજપામાં દોડધામ મચી છે.

ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદને લઇ ઘમાસાણ છે. જિ.પં.માં ભાજપ અને કોંગ્રેસના નવ-નવ સભ્યો છે. અને અઢી વર્ષની ટર્મ માટે એસ.ટી. મહિલા બેઠક અનામત જાહેર થતાં ભાજપના પાર્ટી પ્રમુખ સત્તા મેળવવા પાર્ટીસામે જંગે ચઢયા હોય તેમ જણાઇ રહયું છે. તા. ૧૦ મીએ સંકલનની બેઠક બાદ ૧૧ મી જુને ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બેઠકમાં ડાંગના સ્થાનિક નેતાઓને સાંભળ્યા બાદ પાર્ટી પ્રમુખ રમેશ ડોને ઉગ્ર રજુઆતો કરી ડાંગ ભાજપાને પાયામાંથી સંગઠિત કરવા અનેક ભોગ આપ્યાની વાત સાથે જિ.પં. ના પ્રમુખપદ માટે પોતાની પત્નીની તરફેણ કરવા અનુરોધ કર્યો હતો.

રજુઆતો સાંભળ્યા બાદ ભાજપ મોવડી મંડળે ભાજપામાંથી નારાજ થઇ ભૂગર્ભમાં ઉતરી ગયેલા સભ્યોને વલસાડ ભાજપા પ્રમુખ કનુભાઇ દેસાઇ કે સાંસદ ડો. કે.સી. પટેલ સમક્ષ હાજર કરવા રમેશ ડોનને મંગળવારનો સમય આપ્યો હતો.

પરંતુ ડાંગ ભાજપાના પ્રમુખ પહેલા મેન્ડેટ આપો પછી જ સભ્યોને રજૂ કરવા અટલ રહેતા મંગળવારે ભાજપા મોવડી મંડળ સામે રજૂ થવાને બદલે મંગળવારે સાંજથી જ ભાજપા સભ્ય સહિત કોંગી ટેકેદારો સાથે ખુદ પાર્ટી પ્રમુખ પણ ભૂગર્ભમાં ઉતર જતાં ડાંગ ભાજપના હોદેદારો શોધખોળ કરવા આકાશપાતાળ એક કરી દેવા છતાં કોઇ પતો લાગ્યો નહતો.

આગતી કાલે પંદરમી જુને મુખ્યમંત્રી સાપુતારાની મુલાકાતે આવવાના છે ત્યારે પાર્ટી પ્રમુખ ચૂંટાયેલા સભ્યો સાથે ગાયબ થઇ જતાં ડાંગ ભાજપે નીચાજોણું થયું હોવાનું પ્રસિધ્ધ થયું છે.

દરમિયાન આ સંદર્ભે ડાંગ જિલ્લા પ્રભારીમંત્રી શ્રી રમણ પાટકર સાથે  પત્રકારોની  ટેલિફોનિક વાતચીત થતાં તેમણે જણાવ્યું કે, ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપનું જ શાસન રહેશે. ઉમેદવાર અંગે પાર્લામેન્ટરી બેઠકમાં રજૂઆતો અને ચર્ચાઓ થાય છે. પાર્ટી પ્રમુખ ભાજપાના હિત માટે જ ભૂગર્ભમાં જતા રહયા છે. જે આવનારી ૨૦ મી જૂને બહુમત સાબિત કરી ભાજપાને ઉમેદવાર જ પ્રમુખ બનશે અને ભાજપમાં હાલ કોઇ વિવાદ નથી. (૧.૩)

(11:56 am IST)