Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટ્રાચાર પર ઢાંકપિછોડો કરવા ભાજપે જળસંચય અભિયાન શરુ કર્યું : કૌભાંડને કારણે રાજીનામાં આપવા જોઈએ : સુરેશ મહેતા

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં થયેલા ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપિછોડો કરવા માટે ભાજપ સરકારે જળસંચય અભિયાન કર્યું હોવાનું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવી આ કૌભાંડમાં પોતાની ફરજ ચુકેલા રાજ્યના કૃષિ મંત્રી, મુખ્યમંત્રી અને સરકારને રાજીનામું આપી દેવા માંગણી કરી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, રૂપાણી સરકાર ગુજરાતમાં કરપ્શનના નવતર પ્રયોગ ગેરકાયદે સામુહિક કરપ્શનને છાવરી રહી છે. જમીન વિકાસ નિગમમાં કરાયેલા ભ્રષ્ટાચારમાં ક્યાંય પકડાય નહીં તેમ હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી કૌભાંડ ચાલતું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૨-૧૩નો હિસાબ અને રિપોર્ટ છેક ૨૦૧૫ની મિટિંગમાં મંજુર કરવામાં આવ્યો હતો.

  પછી એકપણ વર્ષનો હિસાબ કે રિપોર્ટ વિધાનસભામાં પણ રજુ કરવામાં આવ્યા નથી. આ માટે ચેરમેન તેમજ કૃષિ મંત્રી જવાબદાર હોવાનું જણાવતા તેમણે જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપિછોડો કરવા ભાજપ સરકારે તાબડતોડ જળસંચય અભિયાન યોજી આ નિગમ પાસેની કામગીરી આંચકી લીધી છે. જેના કારણે કૃષિ વિભાગ હસ્તકના આ નિગમને બજેટમાં ફાળવાયેલા રૂપિયા ૬૦૦ કરોડની જુદી જુદી ૩૦ યોજનાઓની પ્રવૃત્તિ અટકી ગઈ છે. આ કૌભાંડ અંગે કાનૂની સાથે કોઈ વહીવટી પગલા ભરવામાં આવ્યા નહીં હોવાનું જણાવતા સુરેશ મહેતાએ સીધો આરોપ લગાવ્યો છે કે, આ નિગમના ભ્રષ્ટાચારને છાવરવામાં કૃષિ મંત્રી અને સરકાર ફરજ ચુક્યા છે.

  આ વેળાએ પૂર્વ મંત્રી પ્રવીણસિંહ જાડેજા, પીયુસીએલ ગુજરાતના ગૌતમ ઠાકર, ડો.રોહિત શુક્લ, મહેશ પંડયા વગેરેએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર દુર કરવા માટે નોટબંધી કરવા છતાં આ નિગમમાં ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫૩ લાખ પકડતા ભાજપ સરકાર ધ્રુજી ગઈ હતી. આથી જળસંચય અભિયાન કરાયું પરંતુ, તેમાં એનજીઓ દેખાયા પણ નહીં... માટી વેચીને કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો... શિક્ષકોને મજુરી કરવા ફરજ પડી છતાં સરકાર પાણી માટે સવેદનશીલ નહીં હોવાથી જો આ બાબતે તાકીદે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો આવા નિગમોમાં તાળાબંધીના કાર્યક્રમ યોજવામાં આવશે.

(12:27 am IST)