Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

વડોદરા:તરસાલી ચોકડી નજીક ચાલતા કેમિકલના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

વડોદરા:તરસાલી ચોકડી પાસે ચાલતા કેમિકલ ચોરીના અડ્ડા  પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કેમિકલ ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.પોલીસે ૩૭.૭૦ લાખનું કેમિકલ કબજે લઇ કુલ  રૃપિયા ૪૮.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે ચોરીનું કેમિકલ ખરીદ કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.આગળની તપાસ મકરપુરા પોલીસને સુપરત કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી કે,વડોદરા શહેર નજીક તરસાલી ચોકડી પાસે ચાર મહિનાથી કેમિકલ ચોરીનું નેટવર્ક ચાલે છે.જેથી,સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાય.  એસ.પી. કે.ટી.કામરિયાની સૂચના મુજબ પી.એસ.આઇ. એ.ડી.ચાવડા તથા સ્ટાફે ગઇકાલથી વોચ ગોઠવી હતી.દરમિયાન તરસાલી ચોકડી થી ધનિયાવી ગામ તરફ જવાના રોડની ડાબી બાજુ ચિખોદ્રા ગામની સીમમાં દાઉદ ઉર્ફે મનુ ગુલશનભાઇ સીંધીની ખુલ્લી જગ્યામાં એક ટેન્કર આવીને ઉભું હતું.અને  તેના ઢાંકણાનું સીલ તોડીને  પાઇપ નાંખીને કેમિકલની ચોરી થતી હતી.એસ.એમ.સી.એ રેડ પાડી કેમિકલ ભરેલું ટેન્કર કબજે કર્યુ હતું.તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે,ગોત્રી રોડ પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા ભરત ભીખાભાઇ ચાવડા કેમિકલ ભરેલા ટેન્કરના ડ્રાયવરો સાથે સાંઠગાંઠ કરીન કેમિકલ ચોરીનું નેટવર્ક ચલાવે છે.હાઇવે પરથી પસાર થતા ટેન્કરને દાઉદ સીંધીની જગ્યામાં ઉભું રાખીને તેમાંથી કેમિકલ ચોરી અન્યને વેચવામાં આવે છે.પોલીસે કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધાર ભરત ચાવડા, ટેન્કરના ડ્રાયવર રામપ્રવેશ કિરોદન યાદવ (રહે.ગામ,મંજરીયા, તા.મંજરીયા, જિ.આજમગઢ, યુ.પી.) તથા કેમિકલ ચોરીના નેટવર્કના ભાગીદાર દાઉદ મનુભાઇ સીંધી (રહે.બેલિમ ફળિયું,તરસાલી) ને પકડી મકરપુરા  પોલીસને સોંપવામાં આવ્યા છે.જ્યારે ચોરીનું કેમિકલ ખરીદનાર  આરોપી સંદિપ પટેલ (રહે.વાપી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ચાર મહિનાથી ચાલતા કેમિકલ ચોરીના નેટવર્ક અંગે સ્થાનિક  પોલીસ અજાણ હોય તે વાત શંકા ઉપજાવે છે.પકડાયેલા આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી મોબાઇલના કોલ ડિટેલ્સ કઢાવવામાં આવે તો વધુ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.

(6:10 pm IST)