Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ગુજરાતમાં રૂા. ૨,૫૦૦ કરોડમાં ૫ નવી મેડિકલ કોલેજો સ્‍થાપવામાં આવશે

મોરબી, પોરબંદર, ગોધરા, નવસારી અને રાજપીપળામાં નવી મેડિકલ કોલેજો આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થશે : ૫૦૦ નવી મેડિકલ બેઠકો રાજ્‍યમાં હેલ્‍થ ઇન્‍ફ્રા મજબૂત કરવામાં મદદ કરશે : પાંચ નવી કોલેજો ઉપરાંત બોટાદ, ખંભાળિયા, વેરાવળ, તાપી અને વ્‍યારા ખાતે વધુ પાંચ મેડિકલ કોલેજો સ્‍થાપવાની યોજના

નવી દિલ્‍હી,તા. ૧૪:  ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં રૂ. ૨૫૦૦ કરોડમાં પાંચ નવી મેડિકલ કોલેજો સ્‍થાપશે, જેમાં હાલની ૫૭૦૦ મેડિકલ બેઠકોમાં ૫૦૦ બેઠકોનો ઉમેરો થશે. આ પગલાનો હેતુ ગુજરાતને ભારતનું મેડિકલ હબ બનાવવા અને મેડિકલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં સુધારો કરવાનો છે, જેની ખામીઓ કોવિડ રોગચાળા દરમિયાન બહાર આવી હતી.
અગાઉ વડાપ્રધાન મોદીએ દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાની હાકલ કરી હતી. આરોગ્‍ય વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે હાલમાં રાજયમાં છ સરકારી મેડિકલ કોલેજો છે અને અન્‍ય આઠ મેડિકલ કોલેજો ગુજરાત મેડિકલ એજયુકેશન એન્‍ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા ચલાવવામાં આવે છે. રાજય આમ કુલ મળીને ૫૭૦૦ મેડિકલ સીટ ઓફર કરે છે.
નવી મેડિકલ કોલેજો મોરબી (રૂ. ૬૨૭ કરોડમાં), પોરબંદર (રૂ. ૩૯૦ કરોડ), ગોધરા (રૂ. ૫૧૨ કરોડ), નવસારી (રૂ. ૫૪૨ કરોડ), અને રાજપીપળા (રૂ. ૫૨૯ કરોડ) ખાતે શરૂ થશે. તમામ રાજયમાં નવી કોલેજો સ્‍થાપવા માટે ૨૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આરોગ્‍ય સેવાઓને સક્ષમ કરવા માટે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો સ્‍થાપવાની હાકલ કરી છે. આગામી શૈક્ષણિક વર્ષથી, GMERS હેઠળ મોરબી, પોરબંદર, નવસારી, ગોધરા અને રાજપીપળામાં પાંચ નવી કોલેજો સ્‍થપાશે, એમ ગાંધીનગરમાં મેડિકલ એજયુકેશન એન્‍ડ રિસર્ચ ડિરેક્‍ટોરેટ (તબીબી શિક્ષણ)ના અધિક નિયામક ડો. આર દીક્ષિતે જણાવ્‍યું હતું.
તેમણે કહ્યું કે દરેક મેડિકલ કોલેજમાં ૧૦૦ સીટો હશે અને આ રીતે હાલની કોલેજોમાં ૫૦૦ નવી મેડિકલ સીટો ઉમેરવામાં આવશે.
નવી કોલેજો ઉપરાંત, સિવિલ હોસ્‍પિટલ (અસારવા), ગાંધીનગર સિવિલ હોસ્‍પિટલ અને સોલા સિવિલ હોસ્‍પિટલને સુપર-સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલોમાં ફેરવવામાં આવશે જે આરોગ્‍ય સેવાઓ અને તબીબી શિક્ષણને વધુ મજબૂત બનાવશે, ડો. દિક્ષિતે જણાવ્‍યું હતું.
રાજય સરકારના પ્રોજેક્‍ટ અમલીકરણ એકમના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે સરકારે પાંચ નવી મેડિકલ કોલેજો સ્‍થાપવા માટે મંજૂરી આપી છે જે એક વર્ષમાં શરૂ થશે અને તેના માટે બજેટ પણ ફાળવવામાં આવ્‍યું છે.
એક વરિષ્ઠ આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું હતું કે કોવિડ રોગચાળા દરમિયાન આવી રહેલી સમસ્‍યાઓને કારણે રાજય હવે મોટાભાગના તબીબી શિક્ષણ પ્રોજેક્‍ટ હાથ ધરી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્‍યું હતું કે પાંચ નવી કોલેજો ઉપરાંત બોટાદ, ખંભાળિયા, વેરાવળ, તાપી અને વ્‍યારા ખાતે વધુ પાંચ મેડિકલ કોલેજો સ્‍થાપવાની યોજના છે.

 

(10:34 am IST)