Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પ્રાઇવેટ હોસ્પિટલ મા કાર્ડ અંતર્ગત કોરોનાની સારવાર નહીં: ANHAના પૂર્વ સેક્રેટરી વીરેન શાહનું મોટું નિવેદન

દરરોજનો 5 હજાર ફિક્સ પેકેજ ના હોવું જોઈએ. કોરોનામાં કેટલી દવા જાય તેમજ કેટલો સમય દર્દીને રાખવો પડે તે નક્કી નથી હોતું. માટે મા કાર્ડ અંતર્ગત સારવારની સરકારની જાહેરાત અનિશ્ચિત

અમદાવાદ : ગુજરાત સરકારે ગરીબ વર્ગના લોકોને રાહત આપતો નિર્ણય બે દિવસ પહેલા લીધો હતો. જેમા જણાવાયું હતું કે, કોરોના મહામારી દરમિયાન આરોગ્ય કાર્ડ ધારકો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. મા કાર્ડ, અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં સારવાર મળશે. આ કાર્ડધારકો હોસ્પિટલમાં 50 હજાર સુધીની મફત સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી શકશે. 10 જુલાઈ સુધી કાર્ડ ધારકો સારવાર કરાવી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે મા કાર્ડ અંતર્ગત સારવારની સરકારની જાહેરાત અનિશ્ચિત કારણ કે, ANHAના પૂર્વ સેક્રેટરી વીરેન શાહે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

મા કાર્ડ અંતર્ગત કોરોના દર્દીઓને સારવાર આપવાની સરકારની જાહેરાત મામલે AHNA ના પૂર્વ સેક્રેટરી વીરેન શાહનું નિવેદન સામે આવ્યું છે. જેમણે કહ્યું છે કે, પ્રાઇવેટ હોસ્પિટલ તેનો અમલ નહીં કરે. પ્રાઇવેટ હોસ્પિટલ મા કાર્ડ અંતર્ગત કોરોનાની સારવાર આપશે નહીં. દર્દીઓને એડમિટ કરતા પહેલા અપ્રુવલ લેવાની હોય છે જેમાં ઇમરજન્સી સમયે અપ્રુવલ કઇ રીતે લેવી તે એક મોટો સવાલ છે.

AHNA ના પૂર્વ સેક્રેટરી વીરેન શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાઇવેટ હોસ્પિટલ આ નિર્ણય પર અમલ કરે તો પ્રાઇવેટ હિસ્પિટલ પર વધારાનું ભારણ પડશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દરોજનો 5 હજાર ફિક્સ પેકેજ ના હોવું જોઈએ. કોરોનામાં કેટલી દવા જાય તેમજ કેટલો સમય દર્દીને રાખવો પડે તે નક્કી નથી હોતું. માટે મા કાર્ડ અંતર્ગત સારવારની સરકારની જાહેરાત અનિશ્ચિત છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, ગત 12 મે ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે - મા, મા અમૃતમ-વાત્સલ્યમ્ તથા આયુષ્યમાન ભારત કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે.

(11:31 pm IST)