Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

“તૌકતે” વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

તા.૧૭મીએ ''તૌકતે” વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ અપાઇ: રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમની અધ્યક્ષતામાં તમામ વિભાગના વડા સાથે સમીક્ષા બેઠક યોજાઇ: સંભવિત અસરગ્રસ્ત ૧૪ જિલ્લાના કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાવાઝોડા સામે તંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા કરી: દરિયો ખેડવા ગયેલા માછીમારોને કાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પહોંચાડાયો

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, “તૌકતે” વાવાઝોડુ આગામી  તા.૧૭મી મે ના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના ૧૪ જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાની ન થાય કે કોઇ નુકશાન ન થાય તે માટે રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

 મંત્રીએ ઉમેર્યુ કે, “તૌકતે” અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્વનું ડિપ્રેશન છે તે તા.૧૫ મી મે ના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પુરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ ૧૪૦ થી ૧૫૦ કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે તેવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલુ જ નહી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતી કાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ માછીમારો પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.

 મંત્રી જાડેજાએ કહ્યું કે, દરિયાકિનારાના વિસ્તારોના લોકોને જરૂરીયાતના સમયે સ્થાળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રય સ્થાનો પરની સુવિધા, વિજળી, પાણી, સલામતી સહીતની તમામ પ્રાથમિક  સુવિધાઓ અગોતરી સુનિશ્વિત કરવા માટે આજે ૪.૩૦ કલાકે મુખ્ય સચિવ અનીલ મુકીમની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત ૧૪ જિલ્લાના કલેક્ટરઓ, મ્યુ. કોર્પોરેશનના કમિશ્નરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.  

(8:44 pm IST)
  • ઓસ્ટ્રેલિયા : યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ, સિડનીએ તેના મુખ્ય પુસ્તકાલય ટાવરને "ભારતીય વિદ્યાર્થીઓ અને મિત્રો" ના સમર્થનમાં ત્રીરંગા ના કલરમાં પ્રકાશિત કર્યો હતો access_time 10:48 pm IST

  • "સ્પુટનિક-૫" નો પરતી ડોઝનો ભાવ જાહેર થયો: રૂ. ૯૯૫.૪૦ રશિયાથી આવેલી કોરોનાની વેક્સીન "સ્પુટનિક-૫" આવતા સપ્તાહથી ભારતમાં રૂ. ૯૯૫.૪૦ ના ભાવથી મળશે. જુલાઈ મહિનામાં આ રસીનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે પછી તેની કિંમતમાં ઘટાડો થશે તેમ જાણવા મળે છે.* access_time 12:52 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 316 અને ગ્રામ્યના 306 કેસ સાથે કુલ 622 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:34 pm IST