Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગુજરાતના ગામડાઓમાં પોઝીટીવીટીરેટ ખુબ જ ચિંતાજનક

શહેરોમાં દૈનિક કેસોમાં આંશિક ઘટાડો પરંતુ રાજકોટ, જુનાગઢ, ગિર સોમનાથ, વડોદરા, મહિસાગર જેવા જીલ્લાઓમાં ખુબ જ ચિંતાજનક સ્થિતિ

રાજકોટઃ ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં વાયરસના કારણે દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં પણ એપ્રિલ મહિનામાં ૧૪ હજારથી પણ વધારે કેસ સામે આવ્યા હતા, જો કે મે મહિનાથી કેસમાં ધીમે ધીમે ઘટાડો સામે આવી રહ્યો છે. રાજ્યમાં ઘટતા કેસ વચ્ચે દાવા કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતને બીજી લહેરમાંથી રાહત મળી રહી છે પરંતુ આજે પણ ગુજરાતના ગામડાઓમાં પોઝિટીવીટી રેટ ખૂબ જ ચિંતાજનક છે.

કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વધારે જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાના અભાવે લોકોએ વધારે પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં ગુજરાતના શહેરોમાં દૈનિક કેસ ઘટી રહ્યા છે પરંતુ જૂનાગઢ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર જેવા જિલ્લામાં પોઝિટીવીટી રેટ આજે પણ ખૂબ જ વધારે છે જે ચિંતાજનક છે.   પંચમહાલ જિલ્લામાં ૨૦ ટકા પોઝિટીવીટી રેટ છે જેનો અર્થ થાય છે કે પંચમહાલમાં ૧૦૦ કોરોના ટેસ્ટ કરવામાં આવે તો તેમાંથી ૨૦ લોકો પોઝિટિવ નીકળે છે. આજ રીતે જુદા જુદા જિલ્લાઓમાં ૧૫ ટકાની આસપાસ પોઝિટીવીટી રેટ જોવા મળી રહ્યો છે જેથી કહી શકાય છે કે   ગ્રામીણ વિસ્તારોમાં  આજે પણ સંક્રમણ વધારે છે. (૪૦.૧૦)

કયા જીલ્લામાં કેટલો પોઝીટીવીટીરેટ ?

પંચમહાલ-૨૦ %, જૂનાગઢ-૧૬  % , વડોદરા-૧૬ % , રાજકોટ-૧૫ %, ગીર સોમનાથ-૧૫ %, અમરેલી-૧૨ %, મહીસાગર-૧૦ %, દ્વારકા-૧૬ %

(3:46 pm IST)