Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

દરરોજ ૩ હજાર વડીલોનો સંપર્ક કરી તેમની સેવા સુશ્રુશા કરવાના પોલીસ કમિશનર અજય કુમાર તોમરના અભિયાનની અનોખી કથા

દવા, ફ્રૂટ, કપડાં, વ્હીલચેરથી માંડી પાણી સમસ્યા પણ પુત્ર બની દૂર કરવા સતત પ્રયત્નશીલઃ સ્વૈચ્છિક ફરજ છતાં એડી.સીપીથી લઇ પોલીસમેન પોતાની કામગીરીનો રીપોર્ટ કાર્ડ છે, અનુકરણીય પગલું : સુરતમાં કમિશનરથી માંડી કોન્સ્ટેબલ સુધીની સેવા સાંકળ રચવામાં આવી છે, સિનિયર સિટીઝનની મુલાકાત નાનામાં નાના સ્ટાફથી લઇ ખુદ સીપી પણ લ્યે છે...

રાજકોટ તા. ૧૪,  સમગ્ર સુરતને ડ્રગ્સ મુકત કરવા તથા યુવાનો આ દુષણથી દૂર રહી શારીરિક શોષ્ઠવને મહત્વ આપે તે માટે વ્યાપક ઝુંબેશ ચલાવનાર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શહેરમાં એકલા રહેતા વડીલોની યાદી ત્યાર કરી કોન્સ્ટેબલથી કમિશનર સુધીની આખી ચેઈન ત્યાર કરી તેમના પુત્ર બની અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, જેને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે.      

 ઘડીકમાં માન્યામાં નહિ આવે પરંતુ દરરોજ ત્રણ હજાર જેટલા વડીલો અર્થાત્ સિનિયર સિટીઝનની મુલાકાત પોલીસ સ્ટાફ અધિકારીઓ અને ખુદ પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવે છે.   કેટલાક દૃષ્ટાંત જોઈએ તો પોલીસ દ્વારા આવા વડીલોને મીની લોકડાઉન દરમિયાન ફ્રૂટ, કપડાં, દવા અને વ્હીલ ચેર ની મદદ કરવામાં આવે છે. પીએસઆઇ એસ જી ભૂવા વિગેરે આ માટે ખાસ જવાબદારી ઉઠાવે છે.             

 ઘણાં વડીલોને પાણીની સમસ્યા હોવાની બાબત પોલીસ કમિશનર અજય કુમાર તોમરના ધ્યાને આવતા તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી,કાયમી ઉકેલ માટે તેવો દ્વારા મહા નગર પાલિકાના સત્તાવાળાઓ સાથે ચર્ચા ચાલી રહયાનુ સૂત્રો જણાવે છે.                                

 ટુંકમાં કહીએ તો સુરતનું સમગ્ર પોલીસ તંત્ર હોંશે હોંશે સેવા યજ્ઞમાં સામેલ થયેલ છે.સુરતના બંને સેકટર વડા, ક્રાઈમ બ્રાન્ચ એડી.સીપી હોય કે પોલીસ મથક સિવાયની બ્રાંચો તમામને સેવાની લગની લાગી છે. ડ્રગ્સ માફિયા સામે તૂટી પડતું સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ગ્રહમંત્રી પ્રદીપસિહ જાડેજાના શબ્દો ખાખીની ખાનદાની સાચા અર્થમાં બહાર લાવી રહ્યા છે.

(1:01 pm IST)