Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગુજરાતની ૬ સરકારી મેડિકલ કોલેજના ૧૪૦૦ તબિબી શિક્ષકોની હડતાલનો મોડી રાતે અંતઃ માંગણીઓ સ્વીકારાઇ

દસ માંગણીઓ ઉપરાંત ૭મા પગાર પંચ મુજબ એનપીપીએ એલાઉન્સ આપવાની મજબૂત ખાત્રી સરકારે આપી : રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ તબિબી શિક્ષકો હડતાલમાં જોડાયા હતાં

રાજકોટ તા. ૧૩: ગુજરાત રાજ્યની ૬ સરકારી મેડિકલ કોલેજોના ૧૪૦૦ તબિબી શિક્ષકોની માોટા ભાગની માંગણીઓ સ્વીકારી લેવાતાં મોડી રાતે બારેક વાગ્યે  હડતાલ પુરી થઇ ગઇ છે. તે સાથે જ આજે સવારથી તમામ સરકારી મેડિકલ કોલેજોમાં તબિબી શિક્ષકો ફરજ પર હાજર થઇ ગયા છે.

રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં તબિબી શિક્ષકો (પ્રોફેસર્સ)ની અનેક પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ આવ્યો ન હોઇ અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં વાજબી અને ન્યાયિક પ્રશ્નોનો હલ થયો ન હોઇ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૧૯૦ તબિબી પ્રોફેસરો કે જે કોવિડ-૧૯માં નિરંતર ફરજ બજાવી રહ્યા છે તેઓને  હડતાળના માર્ગે ચડવું પડ્યું હતું. જેમાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો પણ કોવિડ વિભાગના દર્દીઓની સેવામાં અસર ન થાય એ રીતે હડતાલ પર ઉતર્યા હતાં. ગઇકાલે તબિબી શિક્ષકો નોન-કોવિડ સેવા અને ઓપીડીમાં જોડાયા નહોતાં. બીજી તરફ ગાંધીનગરમાં વાટાઘાટો શરૂ થઇ હતી. અંતે મોડી રાત્રે હડતાલનો સુખદ અંત આવ્યો છે.

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના અગ્રણી તબિબી શિક્ષકો ડો. કમલ ડોડીયા, ડો. ઉમેદ પટેલ અને ડો. મુકેશ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતની છ મેડિકલ કોલેજના ૧૪૦૦ તબિબી અધ્યાપકો ફરજ પર આજ સવારથી હાજર થઇ ગયા છે. મોડી રાતે બારેક વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં અંતે વહિવટી તંત્રએ ૧૦ માંગણીઓ ઉપરાતં ૭મા પગારપંચ મુજબ એનપીપીએ એલાઉન્સ આપવાની મજબૂત ખાત્રી આપી છે. આ માટે મહત્વની ચર્ચા કરવા આજે જીએમટીએ સેન્ટ્રલ કાઉન્સીલ સભ્યોની ટીમ ગાંધીનગર બેઠક યોજશે.

(11:03 am IST)