Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

આજથી ૩ દિવસ માટે ૪૫થી વધુ વયના લોકોને વેકિસન આપવાનું મોકૂફ

વેકિસનેશન શેડ્યુલને રી-શેડયુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છેઃ કોવિડમાંથી સાજા થયાના ૬ થી ૮ સપ્તાહની વચ્ચે વેકિસન લઈ શકાય છેઃ કોવિશીલ્ડ વેકિસનના બે ડોઝ વચ્ચેનો ગેપ ૧૨દ્મક ૧૬ સપ્તાહ કરી દેવાયો છે

અમદાવાદ, તા.૧૪: કેન્દ્ર સરકારે હવે કહ્યું છે કે, જો કોઈને કોરોના સંક્રમણ થયું છે તો સાજા થયાના ૬ મહિના પછી તે વેકિસનનો ડોઝ લઈ શકે છે. જોકે, પહેલા એકસપર્ટ્સ તરફથી કહેવાયું હતું કે, કોવિડમાંથી સાજા થયાના ૬ થી ૮ સપ્તાહની વચ્ચે વેકિસન લઈ શકાય છે. કોવિશીલ્ડ વેકિસનના બે ડોઝ વચ્ચેનો ગેપ પણ ૬ થી ૮ સપ્તાહથી વધારીને ૧૨ થી ૧૬ સપ્તાહ કરી દેવાયો છે.

કેન્દ્રની આ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ કોરોના વેકિસનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. પરિણામે સમગ્ર રાજયમાં તારીખ ૧૪મી, ૨૦૨૧માં ત્રણ દિવસ માટે ૪૫ થી વધુની વયના લોકો માટેના રસીકરણની કામગીરી મોકૂફ રાખવામાં આવશે.

ડો. જયંતી રવિએ વધુમાં જણાવ્યું કે, ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટેના રસીકરણની કામગીરી સોમવાર તારીખ ૧૭ મે, ૨૦૨૧થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે. ૧૮ થી ૪૫ના વય જૂથમાં જેમને એપોઈન્ટમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો SMS જેમને મળ્યો છે તેવા લોકો માટે જ આ ત્રણ દિવસો દરમિયાન રસીકરણની કામગીરી કરવામાં આવશે.

વૈજ્ઞાનિકોનું પણ એવું માનવું છે કે એક વખત જો સંક્રમણ થઈ જાય તો શરીરમાં એન્ટીબોડી રહે છે, એટલે કે પ્રોટેકશન રહે છે. આ બાબતો હવે વધુ કલીયર થતી જઈ રહી છે. પહેલા લાંબા પીરિયડનું ફોલોઅપ ન હતું, પરંતુ હવે સ્પષ્ટ છે કે, ૬ મહિનાનું પ્રોટેકશન હોય છે. એવો ડેટા આવ્યો છે, દેશની બહારથી પણ ડેટા આવ્યો છે અને એના આધારે એવું કહેવાયું છે કે, રિકવર થયાના ૬ મહિના બાદ રસી લેવી જોઈએ. આ પ્રકારે વૈજ્ઞાનિક ડેટાના આધારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ વધારાયો છે. ડો. પોલે કહ્યું કે, પહેલા બે ડોઝ વચ્ચે ૪દ્મક ૬ સપ્તાહનો ગેપ રાખવા કહેવાયું હતું, તે એ સમયના ડેટા મુજબ હતું. ફરીથી જોવાયું કે, ગેપ વધારીએ છીએ તો તેનો વધુ ફાયદો થશે. યુકેએ ગેપ વધારીને ૧૨ સપ્તાહ કરી દીધો છે. હવે રિયલ લાઈફ એકસપીરિયન્સના આધાર પર બે વેકસીનની વચ્ચેનો ગેપ ૧૨ થી ૧૬ સપ્તાહ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, સાયન્ટિફિક કોમ્યુનિટી પર વિશ્વાસ રાખો.

(10:03 am IST)