Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

લોકડાઉનના કારણે ૪૦ ટકા વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી

ખાનગી કંપની દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં માહિતી સામે આવી : કોરોનાના વધતા કેસો, કર્ફ્યૂ અને મિની લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે

અમદાવાદ,તા. ૧૪:કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે અને સ્કૂલો ફરી કયારે નિયમિતપણે ચાલુ થશે તે અંગે અનિશ્યિતતાઓ પ્રવર્તી રહી છે ત્યારે લગભગ ૪૦ ટકા વાલીઓ આ વર્ષે લોકડાઉન પછી સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું તારણ ખાનગી કંપની દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સામે આવ્યું છે. કોવિડના લીધે લોકોના ધંધા અને નોકરીઓ પર અસર પડી હોવાથી આ મુશ્કેલીઓ પડી રહી છે. કોરોનાના વધતા કેસો, કર્ફયુ અને મિની લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફિનટેક કંપની ક્રેડિને એક વ્યાપક સર્વે હાથ ધર્યો હતો.

લગભગ ૩૦,૦૦૦ વાલીઓને આ સર્વેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા હતા જેમાંથી ૫૦ ટકા વાલીઓએ તેમની આર્થિક સ્થિતિ અને અન્ય નાણાંકીય બાબતો અંગે વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા. સર્વે મુજબ ૫૫ ટકા વાલીઓ માને છે કે હાલની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા હાથમાં રોકડ રાખવી જરૂરી છે અને આથી જ તેમને સ્કૂલ ફી ચૂકવવામાં વિલંબ કરવો પડી રહ્યો છે. ૬૮ ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ ફરીથી પહેલા જેવી થતા સમય લાગી શકે છે.

૬૦ ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવા માટે હપ્તાની સુવિધા ઈચ્છી રહ્યા છે. ૪૦ ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવામાં વિલંબ કરી રહ્યા છે કારણ કે તેમને આશા છે કે સ્કૂલ કે સરકાર તરફથી તેમને ફીમાં ડિસ્કાઉન્ટ મળશે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ડિરેકટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમને વાલીઓ પાસેથી અનેક રજૂઆતો મળી હતી કે તેમને ફીમાં ચૂકવણી મોડેથી કરવાથી છૂટ આપવામાં આવે. સરકારના સૂચનના પગલે ૨૫ ટકા ફી પણ જતી કરી છે. સર્વેમાં ૫૧ ટકા લોકો માને છે કે કોવિડ-૧૯દ્મક સામાન્ય જીવન પર આ વર્ષે પણ અસર પડશે એટલે સ્કૂલોએ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવું જોઈએ.

૭૦ ટકા વાલીઓ જયાં સુધી કોરોનાનો ખાત્મો ના થાય ત્યાં સુધી પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા માંગતા નથી. બાવન ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ પુનઃથાળે પડતા હજુ સમય લાગશે.

(10:02 am IST)
  • અમેરિકા : ન્યુ યોર્ક શહેર, કોરોના રોગચાળોનો સામનો કરવા માટે 4 મિલિયનથી વધુ COVID-19 ટેસ્ટ કિટ્સ, 3.00.000 પલ્સ ઓક્સિમીટર, લગભગ 300 વેન્ટિલેટર અને અન્ય રાહત સામગ્રીના સાધનો ભારત મોકલશે તેમ ન્યૂ યોર્ક મેયર ના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું છે. access_time 12:38 am IST

  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST

  • છત્તીસગઢ સરકાર આ નાણાકીય વર્ષ દરમિયાન કોરોનાને લીધે તેમના માતાપિતા ગુમાવનારા તમામ બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત 1 થી 8 ધોરણ સુધીના બાળકોને મહિનામાં 500 રૂપિયા અને નવમી થી બારમી સુધીના આવા બાળકોને દર મહિને 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ રાજ્ય સરકાર આપશે. access_time 11:27 pm IST