Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

હાર્દિક પટેલે ટ્વિટ કરી સરકાર સમક્ષ ગામડાઓમાં સરપંચોને કોરોના મુક્ત કરવા સતા સોંપવા મંગ કરી

અમદાવાદ: જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેરના પગલે હવે ગામડાઓમાં સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ગામડાઓ સ્વયંભુ બંધ પાળી રહ્યાં છે, આમ છતાં કેટલાક ગામોમાં મરણનો આંકડો અને પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે. આથી ગામડાઓને કોરોનાથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “મારુ ગામ કોરોનાથી મુક્ત ગામ” અભિયાન ચલાવી રહી છે, ત્યારે હાર્દિક પટેલે ટ્વીટ  કરીને સરકાર સમક્ષ ગામડાઓમાં સરપંચોને સત્તા સોંપવાની માંગ કરી છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે,

 “મારી ગુજરાત સરકારને વિનંતી છે કે, કોરોના મહામારીમાં સરપંચોને વિશેષ સત્તા સોંપવામાં આવે. જેથી સરપંચો પોતાના ગામનું કામ જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલીક કરાવી શકે. કોરોનાની આ લહેરમાં ગામડાઓને પ્રાધાન્ય આપવું જ પડશે. આપણે એકજૂટ થઈને લડવું પડશે. સરપંચ જ સરકાર બને તે જરૂરી છે.”

હાર્દિક પટેલે પોતાના અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,

“ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને લઈને જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. ગામડાના લોકો કોરોના ટેસ્ટિંગ નથી કરાવી રહ્યાં, જેના કારણે ગામમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વિરોધી વૅક્સિનેશન અને કોવિડ ટેસ્ટિંગમાં જાગૃતિ લાવવા માટે સરપંચોને અગત્યનું કામ કરવું પડશે.”

જણાવી દઈએ કે, કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ ખૂબ જ અગત્યના હથિયાર છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં આ ત્રણેય વ્યવસ્થા ના હોવાથી લોકો ઝડપથી સંક્રમિત થઈને મોતને ભેટી રહ્યાં છે.

(9:36 pm IST)