Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કોર કમિટીમાં નિર્ણય

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ માનવબળ વધુ સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ૨૦૧૯ જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દરદીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.
આ કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજકુમાર, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:22 pm IST)