Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

બીમારી મગજ સુધી પહોંચી, પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા

મ્યુકોરમાઈકોસિસ બીમારથી ગંભીર સ્થિત : સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે

સુરત,તા.૧૩ : કોરોના બાદ હવે બધું એક નવી બીમારીએ લોકોને ભરડામાં લીધા છે, આ બીમારી છે મ્યુકોરમાઇકોસીસ. કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. ગંભીર બિમારીના લક્ષણો જોવા મળતા આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ ૨૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જે પૈકી ૩ દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. અત્યારસુધી શહેરની વિવિધ હોસ્પિટલમાં ૧૮૫ દર્દીઓ નોંધાયા છે.

જે પૈકી ૬૭ સાજા થઈ પરત ઘરે ફર્યા છે અને ૯૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. તો આ બીમારીને લઈ ૧૬ દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે હવે આ બીમારી મગજ સુધી પહોચી ગઈ છે. જેના રાજ્યમાં પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે. જેને લઈને તબીબોમાં ચિંતા વધવા પામી છે. સુરતમાં કોરોનામાંથી સજા થયા બાદ મ્યુકોરમાઇકોસિસ નામનો નવો રોગ હવે લોકોને ભીંસમાં લઇ રહ્યો છે.

ચિંતાની વાત એ છે કે, આ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે. દર્દીને મોતથી બચાવવો હોય તો સંક્રમિત અંગો કાઢી લઈને અન્ય અંગોમાં એને ફેલાતો રોકવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી.

આ જોખમી રોગ કોરોનામાં ઓક્સીજન સહિતના ગંભીર તબક્કામાંથી પસાર થયેલા કે પછી સાજા થયેલા દર્દીઓને જ વધુ થાય છે. જો કે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી જવાના ગુજરાતના પ્રથમ ૨ કેસ સુરતમાં નોંધાયા છે. શહેરની સિવિલ, સ્મીમેર અને કિરણ હોસ્પિટલ મળીને કુલ ૧૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સાજા કરવા માટે આપવામાં આવતા એમ્ફાથેરાસિન બી ઈન્જેક્શનના ૧૫૦થી ૧૮૦ ડોઝમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો કિડનીને મોટું નુકસાન થઈ શકે છે. ૧૮૦ ઈન્જેક્શન આપવાના હોય ત્યારે વારંવાર દર્દીઓને નીડલ ઘોંચવી ન પડે માટે ગરદન પાસેથી સેન્ટ્રલ વેઈન હૃદય સુધી પસાર કરવામાં આવે છે.

૨૫૦ એમજીના વિવિધ ડોઝ દર્દીઓને તેમના શરીરની સ્થિતિ જાણીને આપવા પડે છે. આમ, દિવસમાં ૫થી ૭ ઈન્જેક્શન આપવા પડે છે. તેમાં ખૂબ સાવચેતી અનિવાર્ય છે. કોઈક દિવસ ઈન્જેક્શન નહીં આપી દિવસ ખાલી પણ છોડવો પડે છે. ધ્યાન ન રાખવામાં આવે તો, કિડની ડેમેજ થઈ શકે છે. ફૂગને નિયંત્રણ કરીને તેને ફેલાતા અટકાવી શકે તે માટે એમ્ફાથેરાસિન બી સહિતના ઈન્જેક્શનને તૈયાર કરવાની પ્રક્રિયા જ લાંબી છે.

(9:09 pm IST)