Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સરકાર નાના ધંધાર્થીઓને વગર વ્યાજની લોન અપાવશે

ગુજરાતના ૧૦ લાખ ધંધાર્થીઓ માટે પેકેજ તૈયાર થાય છેઃ કેન્દ્રના પેકેજને અનુરૂપ ફેરફારો થશે : કારીગર વર્ગ, સામાન્ય દુકાનદારો, લારી-ગલ્લા, રેકડીવાળા, રીક્ષાવાળા, ખાનગી નોકરીયાતો વગેરેને કંઈ ગીરવે મુકયા વગર છે. ૧ લાખ સુધીની લોન મળવાપાત્રઃ સહકારી બેંકોને લોન લેનાર વતી વ્યાજ સરકાર ચૂકવશેઃ કોરોનાના મારની અસર હળવી કરવા પ્રયાસ

રાજકોટ, તા. ૧૪ :. રાજ્ય સરકાર દ્વારા સહકારી બેંકોના માધ્યમથી નાના ધંધાર્થીઓ, કારીગર વર્ગ અને ખાનગી નોકરીયાતોને કોરોનાની અસરમાંથી બહાર લાવવાના પ્રયાસરૂપે વગર વ્યાજની લોન અપાવવામાં યોજના બની રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ મંત્રી મંડળની બેઠકમાં આ અંગેની ચર્ચા થયેલ. કેન્દ્ર દ્વારા જાહેર થનારા હવે પછીના પેકેજની રાહ જોવાઈ રહી છે. તેને અનુરૂપ રાજ્યના પેકેજમાં ફેરફાર કરવામાં આવશે. બન્ને પેકેજો ભેગા કરી સામાન્ય વર્ગને અપાનાર લાભનું પ્રમાણ વધારવાનો વિકલ્પ ખૂલ્લો રાખવામાં આવશે.

રાજ્ય સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ લારી-ગલ્લાવાળા, રીક્ષાવાળા, ખાનગી નોકરીયાતો, સામાન્ય દુકાનદારો, ગૃહ ઉદ્યોગો વગેરે લોકડાઉનમાં આર્થિક રીતે અસરગ્રસ્ત બન્યા છે. તેમને શહેરી અને ગ્રામીણ સહકારી બેંકો મારફત છે. ૧ લાખ સુધીની વગર વ્યાજની લોન અપાવવા માટેનું આયોજન થઈ રહ્યુ છે. લોન લેનાર વતી બેંકોને રાજ્ય સરકાર વ્યાજ ચૂકવશે. ધંધાની પ્રગતિ માટે લોનનો ઉપયોગ કરવાનો રહેશે. લોન લેનારે બેંકમા કોઈ વસ્તુ કે મિલકત ગીરવે મૂકવાની રહેશે નહિ. બેંકો લોન લેનાર પાસેથી એડવાન્સ ચેક સહિતની કેટલીક જરૂરીયાતો માંગશે. કેટલી લોન (મહત્તમ એક લાખ) આપવી તે બેંકોએ અરજદારની પાત્રતા ચકાસીને નક્કી કરવાનુ રહેશે. ખાનગી નોકરીયાતો માટે અલગ માપદંડ નક્કી થશે. લોન ચૂકવવા માટે બે થી ત્રણ વર્ષની મુદત અને સરળ હપ્તાની સુવિધા અપાશે. સરકાર દ્વારા રાજ્યની સહકારી બેન્કો સાથે ચર્ચા ચાલી રહી છે. સહાય યોજનાનું નક્કર સ્વરૂપ થાય પછી જાહેરાત કરવામાં આવશે.

(1:31 pm IST)