Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

નડિયાદના કંજોડાની સીમમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા આઈપીએલના સટ્ટા પર પોલીસે દરોડા પાડી એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ:તાલુકાના કંજોડા ગામની સીમમાં આવેલ રણછોડ ગેસ્ટ હાઉસમાં આઈપીએલની ફાઈનલ પર સટ્ટો રમાડતા આણંદના એક શખ્સને પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ ગઈકાલે આઈપીએલ ૨૦૧૯ની ફાઈનલ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાઈ હતી. આ ફાઈનલ મેચમાં સટ્ટો રમવા સટોડીયા કામે લાગી ગયાં હતાં. નડિયાદ તાલુકાના ડાકોર રોડ પર આવેલ કંજોડા ગામની સીમમાં રણછોડ ગેસ્ટ હાઉસ આવેલુ છે. તેના રૂમ નં ૧૦૯ માં આ ફાઈનલ મેચ પર સટ્ટો રમાતો હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી નડિયાદ રૂરલ પોલીસે દરોડો પાડ્યો હતો. અને ગેસ્ટ હાઉસના રૂમ નં ૧૦૯ માંથી અમિતકુમાર ઉર્ફે છોટે વિમલકુમાર ભાટીયા (રહે.રાજદિપ કોમ્પ્લેક્ષ,ભાલેજરોડ,આણંદ) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી લેપટોપ કિંમત રૂ.૨૦,૦૦૦, ચાર નંગ મોબાઈલ રૂ.૪૦૦૦, તથા જીટીપીએલ કંપનીનું એક રિમોટ, મોબાઈલ ચાર્જર, એલસીડી, સેટટોપ બોક્ષ વગેરે મળી રૂ.૩૭,૧૫૦ નો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:27 pm IST)