Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પત્રકારો અને પોલીસ સિક્કાની બે બાજુ જેવા, એકમેકના સહકારથી અટપટ્ટા ગુન્હાઓ ઉકેલાયાનો મારો જાત અનુભવઃ અનુપમસિંહ ગેહલોત

એ પોલીસમેનને હેડ કવાર્ટરમાં બદલી નાખવાથી સંતોષ પામવાના બદલે અનુપમસિંહ ગેહલોતે ડીસીપીને તપાસ સુપ્રત કરીઃ લોકરક્ષકોને સંયમના પાઠ શીખવવા ઉચ્ચ અધિકારીઓને આદેશ : આઈજીપી સુભાષ ત્રિવેદીની દરમિયાનગીરીથી શાંત પડેલ જૂનાગઢના પત્રકાર પરના હુમલામાં બળતામાં ઘી હોમવાનું કાર્ય કરનાર પોલીસમેન સામે વડોદરા પોલીસ કમિશ્નરનું ત્વરીત પગલુ : આઈજીપી સુભાષ ત્રિવેદીએ પણ ભૂતકાળમાં રાજકોટ સહિત વિવિધ જગ્યાએ પત્રકારો અને પોલીસની મિત્રતાને કારણે થયેલી યાદગાર કામગીરીની વાતો તાજી કરીઃ પત્રકારો અને પોલીસ બન્ને સમાજના સ્તંભ હોવાનું જણાવી પત્રકારો સત્ય બહાર લાવે છે અને પોલીસ રક્ષણનું કામ એકબીજાના પુરક રહી કરે છે તે પરંપરા યથાવત રાખવા અને આ ઘટનાને દુઃખદ સ્વપ્ન ગણી ભૂલી જવા અપીલ કરી હતી

રાજકોટ, તા. ૧૪ :. જૂનાગઢમાં તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના મતદાન પ્રસંગે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચોક્કસ બાબતે ઝઘડો થતા અને તેનુ કવરેજ કરવા ગયેલ મીડીયા કર્મીઓ સાથે થયેલા ગેરવર્તન અંગે અનુભવી અને ભૂતકાળમાં વિવિધ શહેરોમાં પત્રકાર જગત સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવી ગુન્હેગારો સામે કડકહાથે કામ લેનાર જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીના ઘનિષ્ઠ પ્રયાસોથી મામલાનું નિરાકરણ તો આવ્યું આટલુ જ નહિ આઈજીપી સુભાષ ત્રિવેદીએ આ ઘટનાને દુસ્વપ્ન ગણી ભૂલી જવાની બન્ને પક્ષોને અપીલ કરી મિત્ર ભાવથી કામ કરવા અપીલ કરી પરંતુ આ ઘટના અંગે પત્રકાર જગત સંતોષનો ઓડકાર લે તે પહેલા જ મૂળ જૂનાગઢના અને હાલ વડોદરામાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા જી.બી. પરમાર નામના એક પોલીસમેને એવુ વિવાદાસ્પદ નિવેદન ઠપકાર્યુ કે બળતામાં ઘી હોમાઈ જાય, જો કે વડોદરાના ખૂબ જ અનુભવી અને પત્રકારો સાથે પારીવારીક સંબંધો ધરાવતા વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ બાબતે તાકીદે તપાસ કરી પગલા લેવા જોઈન્ટ પોલીસ કમિશ્નરને આદેશ કરતા સંબંધક પોલીસમેન કે જેણે સોશ્યલ મીડીયા પર પોસ્ટ મુકી હતી તેઓને તાકીદે હેડ કવાર્ટરમાં બદલી નખાયા હતા.

પોલીસ કમિશ્નરે આ બાબતને ખૂબ જ ગંભીર ગણી વડોદરાના ઝોન-૪ ના ડીસીપીને આ મામલાની વિશેષ તપાસ સુપ્રત કરી તેમના રીપોર્ટ બાદ એ લોકરક્ષક સામે વિશેષ કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, પત્રકારો અને પોલીસ એક સિક્કાની બે બાજુ જેવા છે. આ બન્ને સાથે મળીને કામ કરે તો ખૂબ જ સારા પરિણામ લોકહિતમાં આવે તેના અનેક દાખલા રાજકોટ સહિતના મારા કાર્યકાળ દરમિયાન જોવા મળ્યા છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે, ગુન્હાહીત પ્રવૃતિ અંગેની ઘણી મહત્વની બાબતો રાજકોટમાં તેમના ધ્યાને મીડીયા જગતે જ મુકેલ. તેઓએ જણાવેલ કે, નવા આવનાર પોલીસમેનોને ખાસ કરીને લોકરક્ષક દળને આ પ્રકારની તાલીમ આપવી જરૂરી છે. તેઓએ જણાવેલ કે, સંયમ ખૂબ જ જરૂરી છે. આવા સમયે જ ધૈર્યની કસોટી થાય છે. દરેક બાબતનો જડતાથી અમલ કરવાના બદલે પ્રેકટીકલ રીતે વિચારી અમલ કરવામાં આવે તો ઘર્ષણ તો ટળે સાથોસાથ પ્રેસ પણ પોલીસ સાથે ખભેખભા મીલાવી ઉભા રહે.

સમગ્ર ગુજરાતમાં દારૂનો મોટેપાયે ધંધો રાજસ્થાન અને મધ્યપ્રદેશને બેઈઝ બનાવી કરતા અને જેમની સામે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂના અનેક કેસ છે તેવા બુટલેગર વિજુ સિંધી કે જે ખૂબ જ ઝનુની છે. તેઓ સામે વડોદરાના બે કેસ પેન્ડીંગ છે. છેલ્લા દોઢ વર્ષથી વડોદરા તરફ આવવાની હિંમત દાખવતા નથી. તેવા આ બુટલેગરનો રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટને આધારે કબ્જો મેળવવા કાર્યવાહી ચાલી રહ્યાનું પણ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં તેઓએ જણાવેલ. સ્પાના ધંધા અંગે મૂળ સુધી પહોંચવા અને સુરત સહિત અન્ય રાજ્યોમાં પણ પોલીસ તપાસ ચાલી રહ્યાનું જણાવેલ.

ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે

રાજકોટઃ રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી

(11:44 am IST)