Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

નર્મદા જિલ્લામાં પાણી પ્રશ્ને વસોવાની કાર્યકરો સાથે કૂચ

નર્મદા કેનાલ બંધ કરાવવાનો પ્રયાસ નિષ્ફળ થયો : જીતનગર ચોકડી નજીક ધારાસભ્ય મહેશ વસાવા સહિત ૪૦૦ કાર્યકરોની અટકાયત કરાતા મામલો વધુ ગરમાયો

અમદાવાદ, તા.૧૩ : નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ આજે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે પોતાના સંકેડો કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક જનતા સાથે કૂચ કરી હતી. જો કે, પોલીસે મહેશ વસાવા સહિત ૪૦૦ કાર્યકરોની અટકાયત કરતા ધારાસભ્યના ટેકેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવવાનો બીટીપીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અગાઉ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા નર્મદા જિલ્લાને પાણી નહીં મળે તો નર્મદા યોજનાની મુખ્ય કેનાલ બંધ કરવાની ચીમકી આપી હતી અને દરવાજા બંધ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવવાની ચીમકી આપી હતી. આ આંદોલનને પગલે આજે નર્મદા પોલીસ દ્વારા નર્મદાની મુખ્ય કેનાલ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કેવડિયા જતા તમામ માર્ગો પર પોલીસ અને એસઆરપી સહિત ૪૦૦ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા. આંદોલનને નિષ્ફળ બનાવવા માટે વડોદરા રેન્જના તમામ જિલ્લાની પોલીસ બોલાવાઇ હતી. જેમાં ૨ એસપી,૪ ડીવાયએસપી, ૮ પીઆઇ ખડેપગે રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. રાજપીપળા નજીક જીતનગર ચોકડી પાસે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કેવડિયા તરફ આગેકૂચ કરી હતી પરંતુ કેવડિયા પહોંચે તે પહેલાં જ તમામની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરતા જ ટેકેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અટકાયતના વિરોધમાં ધારાસભ્ય અને ટેકેદારો રસ્તા પર બેસી ગયા હતા અને મોદી અને રૂપાણીની હાય હાય બોલાવી હતી. ઘણી સમજાવટ બાદ ૪૦૦ જેટલા કાર્યકરોને જીતનગર હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા.

(9:11 pm IST)