Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઓઢવમાં ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર હુમલો

પોલીસ-કોર્પોરેશનની ગાડીઓમાં તોડફોડ : હિંસા અને સરકારી મિલકતોને નુકસાન અંગે ગુનો દાખલ ૩૦થી વધુ માલધારીની ધરપકડ : તંગદિલી ફેલાઈ ગઈ

અમદાવાદ,તા.૧૩ : અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસંધાનમાં તેના પાલનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી અમ્યુકોના ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ અને પોલીસ પર માલધારીઓએ જોરદાર ગંભીર હુમલો બોલી દીધો હતો. માલધારીઓએ અમ્યુકો અને પોલીસની ટીમો અને તેમના વાહનોને ઘેરી જોરદાર પથ્થરમારો કર્યો હતો અને અમ્યુકો-પોલીસના વાહનોમાં તોડફોડ મચાવી હતી અને આંતક મચાવ્યો હતો. આ સમગ્ર હુમલામાં અમ્યુકોના ત્રણ કર્મચારીઓને અને એક પીએસઆઇ સહિત બેથી ત્રણ પોલીસ જવાન સહિતના લોકો ઘાયલ પણ થયા હતા. ઓઢવમાં ઢોર પકડવા ગયેલી અમ્યુકોની ટીમ અને પોલીસ પર માલધારીઓના હુમલાની ઘટના ઘણી ગંભીર હતી, કારણ કે, અમ્યુકો હાઇકોર્ટના ચુકાદાના પાલનના ભાગરૂપે આ કામગીરી કરી રહી છે ત્યારે માલધારીઓ પોલીસનો પણ જાણે કોઇ ડર રાખ્યા વિના આ પ્રકારે હુમલા કરે તો, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઇ જાય. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ આ કેસમાં રાયોટીંગ અને સરકારી મિલ્કતમાં નુકસાન સહિતનો ગુનો દાખલ કરી ૩૦થી વધુ માલધારીઓની અટકાયત કરી હતી. જેના વિરોધમાં મોડી સાંજે ૫૦ જેટલા માલધારીઓ ઓઢવ પોલીસમથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પોલીસમથકના પ્રાંગણમાં મહિલાઓ સહિતના લોકો ધરણા પર બેસી ગયા હતા. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની ટીમે પોલીસ સાથે મળી ૩૦ જેટલી ગાયોને પકડી હતી. પોલીસ પર હુમલો કરનાર મહિલા-પુરુષોને ટિંગા-ટોળી કરી ઘરમાંથી કાઢી અટકાયત કરી હતી. શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણના ભાગરૂપે અમ્યુકોની ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પોલીસના સુરક્ષા કાફલા સાથે આજે સવારે ઓઢવમાં આવેલા છોટાલાલની ચાલી અને દર્શન સોસાયટીમાં રખડતા ઢોર પકડવા પહોંચી હતી પરંતુ અચાનક ૫૦થી વધુ માલધારીઓએ અમ્યુકોની ટીમ અને પોલીસના કાફલા પર જોરદાર પથ્થરમારો શરૂ કરી તેમની પર ગંભીર જીવલેણ હુમલો બોલી દીધો હતો. માલધારીઓ એટલી હદે બેફામ બન્યા હતા કે, તેઓએ  અમ્યુકો અને પોલીસની ચારથી વધુ ગાડીઓમાં જબરદસ્ત તોડફોડ મચાવી તેને ભારે નુકસાન પહોંચાડયુ હતું. એટલું જ નહી, કોર્પોરેશનનની ચાર ગાડીઓની ચાવીઓ પણ લઈને ઢોરમાલિકો ભાગી ગયા હતા. ઢોર માલિકો દ્વારા કરાયેલા હુમલામાં અમ્યુકોના ત્રણ કર્મચારીઓ અને એક પીએસઆઇ સહિત બેથી ત્રણ પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને પ્રાથમિક સારવાર લેવાની ફરજ પડી હતી. અમ્યુકો અને પોલીસના કર્મચારીઓ પર માલધારીઓ દ્વારા ગંભીર જીવલેણ હુમલાની જાણ થતાં ઝોન-૫ ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઓઢવ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન કરી પોલીસ પર હુમલો કરનાર માલધારી સમાજના ૩૦થી વધુ સ્ત્રી-પુરુષોની અટકાયત કરી લીધી હતી. પોલીસે કાયદો હાથમાં લેનાર માલધારી સમાજના લોકોના ઘરમાં ઘુસી મહિલાઓને ટિંગા-ટોળી કરી અટકાયત કરી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે રાયોટિંગ, સરકારી માલ-મિલકતને નુકસાન અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધ્યો છે. દરમ્યાન મોડી સાંજે માલધારી સમાજના ૫૦થી વધુ લોકો અટકાયત કરાયેલા લોકોનેને છોડાવવા પોલીસમથકે પહોંચ્યા હતા.

(8:09 pm IST)