Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જેઇઇ : ૧.૬૦ લાખ વિદ્યાર્થી દ્વારા જ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે

૨૦મી મેના રોજ જેઇઇ એડવાન્‍સની પરીક્ષાઃ કવોલિફાય થયેલા કુલ ૨.૩૧ લાખ વિદ્યાર્થી પૈકીના માત્ર ૧.૬૦ લાખે રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું : શિક્ષણ તંત્ર પણ ચિંતામાં

અમદાવાદ,તા. ૧૪, ધોરણ-૧૨ સાયન્‍સ અને ગુજકેટનાં પરિણામ જાહેર થયા પછી હવે વિદ્યાર્થીઓ તા.૨૦મીએ લેવાનારી જેઈઈ એડ્‍વાન્‍સ પરીક્ષાની તૈયારીમાં વ્‍યસ્‍ત બન્‍યા છે. હવે વિદ્યાર્થીઓ ટોચની એન્‍જિનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઈઈ આપશે, પરંતુ ચોંકાવનારી વાત એ છે આ વર્ષે સૌથી વધુ એટલે કે ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ જેઈઈ આપવામાં ડ્રોપ આઉટ થયા છે. જેઇઇની પરીક્ષામાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટો ડ્રોપ આઉટ નોંધાતાં શિક્ષણ સત્તાધીશોએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્‍યકત કરી છે. જેઇઇની પરીક્ષા માટે ૨.૩૧ લાખ વિદ્યાર્થીઓ ક્‍વોલિફાય થયા હોવા છતાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓએ જ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે, જે વર્ષ ૨૦૧૫ પછીનો એટલે કે છેલ્લાં ૩ વર્ષનો સૌથી મોટો ડ્રોપ આઉટ આંક છે. આ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ છે. આઈઆઈટીમાં પ્રવેશ નહીં મળવાની અપેક્ષાએ પહેલાંથી જ મોટી સંખ્‍યામાં ડ્રોપ આઉટ લેવાયો છે. ચાલુ વર્ષે આઈઆઈટી-કાનપુરને જેઈઈની એડ્‍વાન્‍સ પરીક્ષાની જવાબદારી સોંપાઈ છે, જેમાં જેઈઈ મેઇન સ્‍કોરના આધાર પર એડ્‍વાન્‍સ પરીક્ષા માટે ૨.૩૧ લાખ વિદ્યાર્થીઓ ક્‍વોલિફાય કરાયા છે, જેમાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે, તેમાંના ૭૦ હજાર વિદ્યાર્થીઓ રેસમાંથી બહાર થયા છે. ગુજરાત બોર્ડ અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ તેમાં સામેલ છે. ખાસ કરીને ગુજરાત બોર્ડના અનેક વિદ્યાર્થી લેંગ્‍વેજ પ્રોબ્‍લેમ, રિઝલ્‍ટ ક્રાઈટેરિયા જેવાં પરિબળોના કારણે હિંમત હારી ગયા હોવાનું જાણવા મળે છે. આ સિવાય ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના ઓછો સ્‍કોર અને ક્રીમ બ્રાન્‍ચમાં પ્રવેશ ન મળવાની આશાએ પણ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે. કમ્‍પ્‍યૂટર બ્રાન્‍ચ માટે ૩ હજારમાં રેન્‍ક જોઈએ. મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓને બોર્ડમાં ૭૫ ટકા કે ટોપ ૨૦ પર્સન્‍ટાઈલ રેન્‍ક ન આવતાં એડ્‍વાન્‍સ માટે રજિસ્‍ટ્રેશન ટાળ્‍યું છે. દેશની ૨૪ આઈઆઈટીની અનેક બ્રાન્‍ચ માટે ૧૧ હજાર સીટ પર એડમીશન માટે અમદાવાદ સહિત રાજ્‍યનાં ૭ શહેરમાં તા.૨૦મીએ સવારના ૯ થી ૧૨ અને બપોરના ૨થી ૫ દરમ્‍યાન જેઈઈ એડ્‍વાન્‍સની એક્‍ઝામ લેવાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં ૧.૫૦ લાખ વિદ્યાર્થી ક્‍વોલિફાય થયા હતા, તેમાં ૧.૧૭ લાખ વિદ્યાર્થી રજિસ્‍ટર્ડ થયા હતા. વર્ષ ૨૦૧૬માં ૨ લાખમાંથી ૧.૫૬ લાખ અને વર્ષ ર૦૧૭માં ૨.૨૦ લાખમાંથી ૧.૫૭ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું, પરંતુ આ વર્ષે ૨.૩૧ લાખમાંથી ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓએ જ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે.આ પરીક્ષા અંગ્રેજી અને હિન્‍દી એમ બે ભાષામાં લેવાય છે. બોર્ડમાં ટોપ ૨૦ પર્સેન્‍ટાઇલ અથવા ૭૫ ટકા એ બે ક્રાઈટેરિયાના આધારે પ્રવેશ અપાય છે. ગુજરાતમાંથી ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગત વર્ષ ક્‍વોલિઈફાય થયા હતા. જો કે, છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટા ડ્રોપ આઉટને લઇ ખુદ શિક્ષણ સત્તાવાળાઓ પણ ચિંતિત બન્‍યા છે.

(11:15 pm IST)