Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ : તાપમાન ઘટ્યું

ગુજરાતના અનેક ભાગોમાં પણ હવામાનમાં એકાએક પલટો આવ્યો : ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદ થયો : ભિલાડામાં વાવાઝોડા સાથે વરસાદ

અમદાવાદ, તા. ૧૪ : દેશના જુદા જુદા ભાગોમાં પ્રચંડ તોફાન, આંધી અને વરસાદના દોર વચ્ચે આજે ગુજરાતમાં કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી અને ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આજે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો થયો હતો. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદ થયો હતો. આ ઉપરાંત ભિલાડામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. મોડાસા અને મેઘરજમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અરવલ્લીમાં પણ આવી જ સ્થિતિ મોડાસા તેમજ મેઘરજમાં વાદળછાયુ વાતાવરણ : અમદાવાદમાં પારો ૪૧ જોવા મળી હતી. બીજી બાજુ અમદાવાદમાં પણ આજે તીવ્ર તાપથી આંશિક રાહત મળી હતી. તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. વાદળછાયુ વાતાવરણ આંશિકરીતે રહ્યું હતું. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું. આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  તરફથી હિટવેવ એક્શન પ્લાનના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પણ જારી કરવામાં આવી ચુકી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદમાં અને સાથે સાથે રાજ્યના અન્ય ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન પારો ૪૧ થી ૪૩ વચ્ચે રહી શકે છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ........................................................ ૪૧

ડિસા................................................................. ૪૧

ગાંધીનગર........................................................ ૪૧

ઇડર............................................................. ૪૧.૬

વીવીનગર.................................................... ૪૦.૮

વડોદરા............................................................ ૪૧

સુરત............................................................ ૩૫.૬

વલસાડ........................................................ ૩૪.૯

અમરેલી........................................................ ૪૨.૪

ભાવનગર..................................................... ૩૯.૨

રાજકોટ......................................................... ૪૧.૯

સુરેન્દ્રનગર....................................................... ૪૨

ભુજ.............................................................. ૪૦.૨

નલિયા............................................................. ૩૭

કંડલા એરપોર્ટ................................................ ૪૩.૧

કંડલા પોર્ટ..................................................... ૩૮.૨

મહુવા........................................................... ૩૬.૪

(8:12 pm IST)