Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

નલિન કોટડિયાની ધરપકડ માટે વોરંટ મેળવવા તૈયારી

સીઆઇડી ક્રાઇમ દ્વારા વોરંટ માટે અરજી કરાશે : બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય કોટડિયા રાજય બહાર હોવાની શંકા : છ ટીમો એકશનમાં

અમદાવાદ,તા. ૧૪ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં   ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણી વખતથી ભાજપથી અંતર બનાવનાર નલિન કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત મનાઇ રહી છે. વારંવારના સમન્સ અને તાકીદ છતાં નલિન કોટડિયા તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા કોટડિયાની વિધિવત્ ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦ હેઠળ અરજી કરી વોરંટ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સંભવતઃ આવતીકાલે સીઆઇડી ક્રાઇમ દ્વારા નલિન કોટડિયાની ધરપકડ માટેનું વોરંટ મેળવવાની અરજી દાખલ કરાય તેવી પણ શકયતા છે. બીજીબાજુ, બિટકોઇન કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા રાજય બહાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે અને તેને લઇ સીઆઇડી ક્રાઇમે છ જુદી જુદી તપાસ ટીમોને દોડતી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત નવ આરોપીઓની ધરપકડ આ કેસમાં હજુ બાકી છે. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી નલિન કોટડીયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને તમાશો કરી રહ્યા છે પરંતુ રાજય સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે,  બિટકોઈનના ગોરખધંધામાં જે કોઈ સંડોવાયેલું છે તેની ધરપકડ નિશ્ચિત છે. સરકારના આ સાફ સંકેત બાદ કોટડિયાની મુશ્કેલીમાં વધારો થયો હતો અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સીઆઇડી ક્રાઇમ તરફથી વારંવાર સમન્સ પાઠવવા છતાં અને તેમને તાકીદ કરવા છતાં કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થતાં હવે સીઆઇડી

ક્રાઇમ દ્વારા કાનૂની સહારો લેવામાં આવ્યો છે અને નલિન કોટડિયાની ધરપકડ માટે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં સીઆરપીસીની કલમ-૭૦ હેઠળનું વોરંટ મેળવવાની તજવીજ હાથ ધરવામાંઆવી છે. કોર્ટમાંથી કલમ-૭૦નું વોરંટ મેળવી તેની બજવણી મારફતે સીઆઇડી ક્રાઇમ ગમે ત્યાંથી નલિન કોટડિયાને ઉઠાવશે અને જેલના સળિયા પાછળ ધકેલશે. તપાસનીશ એજન્સી દ્વારા સંભવતઃ આવતીકાલે કોર્ટમાં કોટડિયાની ધરપકડ માટેનું કલમ-૭૦નું વોરંટ મેળવવાની અરજી દાખલ કરી દેવાય તેવી પણ સંભાવના પ્રવર્તી રહી છે.

(7:13 pm IST)