Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

રાજ્યમાં વાતાવરણ પલટો આવતા વિમાની સેવા ઉપર પણ અસરઃ અમદાવાદથી દિલ્‍હી જતી અનેક ફ્લાઇટ્સ રદ્દ કરાઇ

અમદાવાદઃ રાજ્યમાં હવામાનમાં પલટો આવતા તેની અસર વિમાની સેવા ઉપર પણ પડી છે. અમદાવાદથી દિલ્હી જતી અનેક ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે તો કેટલીક ફ્લાઇટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ખરાબ વાતારણના કારણે અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડીગોની ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. જ્યારે ગોએરની ફ્લાટઈ પણ રદ્દ કરવામાં આવી છે. તો અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ સમય કરતા 1 કલાક મોડી છે. તો બીજી તરફ દિલ્હીથી અમદાવાદ આવતી ગોએરની ફ્લાઇટ પણ સમય કરતા મોડી ચાલી રહી છે.

મહત્વનું છે કે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક સ્થળોમાં તીવ્ર વાવાઝોડાના લીધે, મોટી સંખ્યામાં ઝાડ પડી ગયા હતા, જેના કારણે કલાકો સુધી રસ્તાઓ, રેલસેવા, ઠપ થઇ ગઇ હતી.

દિલ્હીમાં 189 ઝાડ અને 40 જેટલા થાંભલા પડી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. કેટલીએ જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો દિલ્હી એરપોર્ટ અને મેટ્રો ટ્રેનની સેવા પણ વાવાઝોડાથી પ્રભાવીત થઈ છે.

આ સાથે દિલ્હીમાં વિમાન સેવા પણ પ્રભાવીત થઈ છે. અહી ઉતરતી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે, સાથે અન્ય વિમાનની ઉડાન પણ રોકી દેવામાં આવી છે. વિસ્તારાના શ્રીનગર-દિલ્હી વિમાનને અમૃતસર મોકલી દેવામાં આવ્યું છે. આ સિવાય લખનઉ-દિલ્હી વિમાનને લખનઉ પાછુ મોકલી દેવામાં આવ્યું છે.

(6:43 pm IST)