Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કરમસદને રાષ્‍ટ્રીય દરજ્જો આપવાના આંદોલન બાદ માટી વેચવાના કૌભાંડ મુદ્દે ફરી પ્રતિક ઉપવાસ આંદોલનના મંડાણ

કરમસદઃ કરમસદ નાગરિક સમિતિના નેજા હેઠળ ગૌચર જમીનમાં નગરપાલિકા દ્વારા માટી વેચવાના કૌભાંડ અંગે પ્રતિક ઉપવાસ શરૂ કરાતા રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

ચૂંટણી આવવાની મૌસમ પૂર્વ સરદાર પટેલના નામને વટાવવાની જામતી હોડ જાણે કે રાજકીય પરંપરા બની ગઇ છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભૂલી જવાતા સરદાર વધુ એક વખત અન્ય ચૂંટણી નજીક આવવાની મૌસમમાં એકાએક યાદ આવી જતા હોવાનું જોવા મળે છે. સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજજા માટે થોડા સમય અગાઉ સરદાર પટેલ હિતરક્ષક સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું. કરમસદના સરદાર પ્રેમીઓ દ્વારા આંદોલનને ટેકો આપવા સાથે પાસના નેતા હાર્દિક પટેલ પણ આંદોલનને સમર્થન આપવાની વાત ચર્ચામાં હતી. પરંતુ હાર્દિક પટેલ કરમસદમાં આગમન કરે તે અગાઉ રાજય સરકાર વતી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ હૈયાધારણા આપીને ઉપવાસીઓને પારણાં કરાવ્યા હતા.

કરમસદને રાષ્ટ્રીય દરજજા અંગે રાજય સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં રજૂઆત સહિતની પ્રકિયા પણ હાથ ધરવામાં આવ્યાનું રાજકીય ચર્ચાઓમાંથી સાંભળવા મળી રહ્યું છે. હવે સરદાર સાહેબના વતન કરમસદના તળાવોમાંથી તથા ગૌચર જમીનોમાંથી માટી ખોદીને કૌંભાડ આચરવામાં આવ્યાના આક્ષેપ સાથે કરમસદ નાગરિક સમિતિના નેજા હેઠળ તા. 14 મેથી તારીખ 22 મે, 2018 દરમિયાન પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું.

(6:35 pm IST)