Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વીએસ, એલજી, શારદાબેનને કોવિડ હૉસ્પિટલ જાહેર કરાઈ

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરની ત્રણ હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે

અમદાવાદ,તા.૧૪ : અમદાવાદ શહેરમાં કોરોનાના રાફડો ફાટી નીકળ્યો છે. સરકારી કોવિડ હૉસ્પિટલ સહિત અનેક ખાનગી હૉસ્પિટલને કોરોનાની સારવારની છૂટ આપવામાં આવી હોવા છતાં દર્દીઓને હૉસ્પિટલમાં બેડ નથી મળી રહી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરની ત્રણ હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હૉસ્પિટલ, શારદા હોસ્પિટલ અને એલજી હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. અહીં ગાયનેક ઇમરજન્સી સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવી છે. હવે અહીં ફક્ત કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ માટે ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે કે, શહેરમાં એસ.વી.પી સહિત મોટાભાગની ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડેઝીગનેટેડ કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આમ છતાં, કોવિડ-૧૯ના દર્દીઓ વધી રહ્યા છે. આથી વધારે સવલત ઊભી કરવા માટે ત્રણ હૉસ્પિટલને કોવિડ-૧૯ હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવે છે. અહીં ઇમરજન્સી (ગાયનેક ઇનરજન્સી) સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવશે. કૉંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. હાલ તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોમ આઇસોલેટ થયા છે. તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત દાણીલીમડાના કૉંગ્રેસના કાઉન્સિલર શહેજાદ ખાન પઠાણ પણ કોરોના પોઝિટિવ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને વધારેમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ થયા તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેવી રીતે વિદેશમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ થાય છે તેવી જ રીતે અમદાવાદ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે વ્યક્તિએ પોતાની ગાડીમાંથી બહાર નીકળવાની જરૂરી નથી રહેતી. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબોરેટરી તરફથી આ પહેલી શરૂ કરવામાં આવી છે.

          આજથી એટલે કે બુધવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ૮૦૦ રૂપિયામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ કરાવ્યાના ૨૪થી ૩૬ કલાકમાં તેઓને ઇ-મેઇલ કે પછી વોટ્સએપના માધ્યમથી આ ટેસ્ટ મોકલી આપવામાં આવશે. વ્યક્તિ ઇચ્છે તો લેબોરેટરી ખાતેથી હાર્ડ કોપી પણ મેળવી શકશે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા ૬,૬૯૦ કેસ નોંધાયા છે. આ દરમિયાન ૨,૭૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં ૧૦૦૦ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. ૨૪ કલાકમાં ૬૭ દર્દીનાં દુઃખદ નિધન થયા છે. મંગલવારે અમદાવાદમાં ૨,૨૮૨, સુરતમાં ૧,૪૪૧, વડોદરામાં ૩૭૭, રાજકોટમાં ૬૧૬, જામનગરમાં ૩૧૫, મહેસાણામાં ૧૭૭, બનાસકાંઠામાં ૧૩૭, પાટણમાં ૧૧૦, ભાવનગરમાં ૧૨૮, જૂનાગઢામાં ૧૧૩ કેસ નોંધાયા હતા.

(9:35 pm IST)
  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડોઃ ૩૯ ડીગ્રીઃ પવનની ગતિ ૮ કિ.મી. access_time 4:06 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST