Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગાંધીનગર:દહેગામ-રખિયાલ રોડ નજીક કાર-ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકે ગંભીર ઇજાથી દમ તોડ્યો

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે દહેગામ-રખિયાલ રોડ ઉપર બબલપુરા ગામે પાસે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર મોત નીપજયું હતું. ઘટના અંગે રખિયાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર રોકેટગતિએ દોડતાં વાહનો અકસ્માત સર્જી રહયા છે ત્યારે જિલ્લાના દહેગામ રખિયાલ રોડ ઉપર બબલપુર ગામના પાટીયા પાસે આજે સર્જાયેલા અકસ્માતમાં કારચાલકનું મોત નીપજયું છે. ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિષ્ણુનગર સોસાયટી ખાતે રહેતા વિરલકુમાર જશવંતભાઈ ગુર્જર તેમની કાર નં.જીજે-ર૭-ડીએસ-૬૪૭૭ લઈને દહેગામ-રખિયાલ માર્ગ ઉપરથી પસાર થઈ રહયા હતા ત્યારે સામેથી આવતા ડમ્પર નં.જીજે-૧૮-એઝેડ-૧૬૧૧ના ચાલકે તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. તેના કારણે કારનો આગળના ભાગનો ખુરચો બોલી ગયો હતો. ગંભીર અકસ્માતમાં વિરલભાઈનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંગે રખિયાલ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જયાંથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(6:34 pm IST)