Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

પંચમહાલની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની બાઇક રેલીમાં કોવિડ ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ

પંચમહાલ: ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે મોરવા હડફ વિધાનસભાની બેઠક પર આગામી 17 એપ્રિલે યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ દ્વારા આજે ચૂંટણી પ્રચારના ભાગ રૂપે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને રોડ શો અને જનસભાઓમાં કોવિડ પ્રોટોકોલનું સખ્તીથી પાલન કરવા માટે કહ્યું છે. આમ છતાં અવારનવાર રાજકીય પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા અંતિમ તબક્કામાં DJના તાલે ભવ્ય બાઈક રેલી નીકાળવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ભાજપે રેલી કાઢતા અનેક સવાલો ઉઠ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ નવા કેસો તેનો જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોના સંક્રમણને જોતા જ ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણી રદ્દ કરવામાં આવી ચૂકી છે. જેને પગલે મોરવા હડફની પેટાચૂંટણી રદ્દ કરવાની માંગ ઉઠી રહી છે.

પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવાએ જણાવ્યું હતું, ભાજપ અને ચૂંટણી પંચ આદિવાસી મતદારો સાથે અન્યાય કરી રહી છે. જો ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ થઈ શકતી હોય, તો મોરવા હડફની પેટાચૂંટણી કેમ રદ્દ ના થઈ શકે?

ગઈકાલે પંચમહાલ જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા હતા. આવા સમયે રાજકીય પાર્ટીઓ કોવિડ નિયમોને નેવે મૂકીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. એક તરફ રાજ્યના મોટા-મોટા શહેરોની હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યાં, એવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓમાં સરકારી નિયમોનો સરેઆમ ભંગ કરીને કોરોનાને રીતસરનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

(4:50 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST

  • રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ૩ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. તા. ૧૬ એપ્રિલથી ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી રાજકોટમાં ૭૦૦ જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ તેનું બુકીંગ તથા ડિલીવરી બંધ રાખશે તેવુ રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસુભાઈ ભગદેએ અકિલાને જણાવ્યુ હતું. વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે કે જેથી લોકોને જીવન - જરૂરીયાત વસ્તુઓની તંગી મહેસુસ ન થાય. ટ્રાન્સપોર્ટમાં આવેલ લોકોની જીવન જરૂરીયાતની વસ્તુઓની ડિલીવરી પણ સમયસર કરી આપવામાં આવશે તેવું પણ જણાવાયુ છે. access_time 12:35 pm IST

  • ઉત્તર પ્રદેશ પંચાયત ચૂંટણી મોકૂફ રાખવામાં નહીં આવે : આવતીકાલ ગુરુવારે 18 જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન : મીડિયા પર પંચાયતની ચૂંટણી મોકૂફ કરવાની ચાલી રહેલી અફવા ઉપર પૂર્ણવિરામ access_time 8:35 pm IST