Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોનાના નવા સ્ટ્રેઇનમાં જુદા પ્રકારના લક્ષણો : ૩ મહિના સુધી રહે છે એકિટવ

અમદાવાદ સિવિલ એડી. સુપ્રિટેન્ડન્ટનું રજનિશ પટેલનું કહેવું છે કે નવા સ્ટ્રેનમાં કોરોના શરીરમાં વધારે એકિટવ રહે છે : ૨૧ દિવસથી ૩ મહિના સુધી એકટીવ રહેવાની સંભાવના : ફેફસામાં પ્રવેશ કરે ત્યારે નવા સ્ટેન વધારે નુકશાન કરે છે : સામાન્ય રીતે ૧૩ દિવસમાં કોરોના નેગેટીવ આવી જતો હોય છે

અમદાવાદ તા. ૧૪ : કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે સિવિલના એડિ. સુપ્રિટેન્ડન્ટનું મોટું નિવેદન સામે આવ્યુ છે. અમદાવાદ સિવિલ એડિ.સુપ્રિટેન્ડન્ટનું રજનિશ પટેલનું કહેવું છે કે, નવા સ્ટ્રેનમાં કોરોના શરીરમાં વધારે એકિટવ રહે છે

ડો. રજનિશ પટેલે જણાવ્યું હતુ કે, ૨૧ દિવસથી ૩ મહિના સુધી એકટીવ રહેવાની સંભાવના છે. ફેફસામાં પ્રવેશ કરે ત્યારે નવા સ્ટેન વધારે નુકશાન કરે છે. સામાન્ય રીતે ૧૩ દિવસમાં કોરોના નેગેટીવ આવી જતો હોય છે. નવા સ્ટેનમાં જુદા પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. સિવિલમા દર્દી ડિચાર્જ ઓછા થતા હોવાથી હોસ્પિટલ ફૂલ છે. સિવિલમાં ઓકિસજન અને આઇસીયુ પણ ફૂલ છે. મોટા ભાગની એમ્બ્યુલન્સ સિવિલમાં જ આવે છે.

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજયમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૬૬૯૦ કેસ નોંધાયા છે અને ૨૭૪૮ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩૨,૦૭૨૯ દર્દીઓ કોરોના મુકત થયાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૬૭ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૯૨૨ લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજયમાં હાલ ૨૨૧ લોકો વેન્ટિલેટર પર છે. એકિટવ કેસનો આંકડો ૩૪,૫૫૫ પર પહોંચ્યો છે.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજયના સૌથી વધુ ૨૨૫૧ કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં ૩૧ કેસ નોંધાયા છે. જયારે સુરત શહેરમાં ૧૨૬૪ નવા કેસ, જયારે સુરત ગ્રામ્યમાં ૧૭૭ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૨૪૭ કેસ, જયારે ગ્રામ્યમાં ૧૩૦ કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં ૫૨૯ કેસ અને ગ્રામ્યમાં ૮૭ કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓકિસજનની સુવિધા સાથે ૫૪૪ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલની ટીમ કાર્યરત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ અને મનપા સાથે મળી કોવિડ કેર સેન્ટર ચલાવશે.

આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. ૯૦૦ બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. ૯૦૦ બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.

(4:09 pm IST)