Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા રાજ્યના મુખ્ય સચિવને પત્ર

બેંક કર્મચારીઓની સલામતી માટે સરકાર માર્ગદર્શિકા જારી કરે : કામકાજના કલાકો ૧૦ થી ૨ રાખે

બિઝનેસ અવર્સ પછી કર્મચારીને ઘરે જવા છુટ મળવી જોઇએ

રાજકોટ તા. ૧૪ : ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ ગુજરાત સરકારના મુખ્ય સચિવને એક પત્ર લખી કોરોનાકાળમાં પોતાની ફરજ બજાવી રહેલા બેંક કામદારોને ચેપ લાગવાનું જોખમ હોવાનું જણાવી બેંક ચલાવવા માટેની અલગ માર્ગદર્શિકા બહાર પાડવાની માંગણી કરી છે. જેમાં બેંકોના કામકાજનો સમય ૧૦ થી ૨નો કરવા સહિતની બાબતોનો સમાવેશ કરવા જણાવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, છેલ્લા ૧ વર્ષથી બેંક કામદારો કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે જે દરમિયાન ગુજરાતમાં ૧૨૦૦૦ જેટલા કર્મચારીએ કોરોનાનો શિકાર બન્યા છે તેથી હવે એવા પગલાની જરૂર છે કે જેમાં બેંક કામદારોની સલામતી અને તંદુરસ્તી જળવાય રહે.

તેઓએ જણાવ્યું છે કે, બીઝનેસ આવર્સ (કામકાજના કલાકો) પુરા થયા બાદ કર્મચારીને ઘરે જવા મંજુરી મળવી જોઇએ, બેંકોમાં પણ ૫૦% સ્ટાફ સાથે કામકાજ થવું જોઇએ એટલું જ નહિ જો કોઇ કર્મચારીને કોરોના થાય તો બેંક ૪૮ કલાક માટે બંધ કરવી એટલું જ નહિ તમામ બેંકોમાં થર્મલ ગન, સેનેટાઇઝર વગેરેની વ્યવસ્થા થવી જોઇએ.

તેઓએ એવી વિનંતી પણ કરી છે કે ગર્ભવતી મહિલા કર્મચારીઓ તથા દિવ્યાંગ કર્મચારીઓને ઓફિસે આવવાથી છુટ મળવી જોઇએ.

(11:42 am IST)