Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

IPLની મેચમાં રમાતો કરોડો રૂપિયાનો સટ્ટો

ફોન ટેપ થતા હોવાથી ઓનલાઇન વેબપેજ દ્વારા સટ્ટો રમાડતા બુકીઓ

સટોડિયા ગોધરા, મહેસાણા, મુંબઇ લાઇન પર સૌથી વધુ કટિંગ કરાવે છે

વડોદરા,તા.૧૪ : આઈપીએલની ક્રિકેટ મેચો શરૂ થતાં જ બુકીઓ અને સટોડિયાઓનું નેટવર્ક શરૂ થઈ ગયું છે. ઘણી જગ્યાએ પોલીસની રહેમનજર હેઠળ બુકીઓ અને સટોડીયા સટ્ટાનું નેટવર્ક  ચલાવી રહ્યાં છે. મોટાગજાના બુકીઓ અગાઉ મોબાઈલ ફોન પર સટ્ટોે લેતાં હતા. પરંતુ મોબાઈલ ફોન ટેપ થતાં હોવાથી બુકીઓ વેબપેજ બનાવી ઓનલાઈન આતંરાષ્ટ્રીય નેટવર્ક ચલાવી રહ્યાં છે. હવે, આ નેટવર્કને તોડવા પોલીસે કમર કસી છે.

 આતંરાષ્ટ્રીય સટ્ટાનું મુખ્ય મથક દુેબઇ અને યુકે છે. લંડન અને દુબઇથી દરેક દેશના મુખ્ય બુકીને બે-ત્રણ ઈન્ટરનેશનલ સિમકાર્ડ આપવામાં આવે છે. જેના થકી બુકી વિદેશી બુકી સાથે સંપર્કમાં રહે છે. દેશના મુખ્ય બુકીઓ દરેક રાજ્યમાં બે-ત્રણ મોટા બુકીઓને તેમના અંડરમાં રાખેછે. તેઓ જે તે શહેરના બુકી તથા સટોડિયાઓ સાથે સંપર્કમાં રહી આખુ નેટવર્ક ચલાવે છે. સટોડિયાઓને બુકી દ્વારા ચોક્કસ પાસવર્ડ અને કોડવર્ડ આપવામાં આવે છે. જેનાથી જ પૈસાની લેવડદેવડ થાય છે. મેચના આગલા દિવસે દુબઈ-લંડનથી ભાવ ખુલી જતાં હોય છે. માત્ર ભાવ આપવા વેબપેજ પર માણસો બેસાડવામાં આવે છે. વેબપેજની તપાસમાં પોલીસ ગોથુ ખાઈ જતી હોવાથી તે દિશામાં તપાસ થતી નથી. બુકીઓના આ નેટવર્ટને તોડવા પણ પોલીસ સક્રિય થઈ છે.

નોંધનીય છે કે, રાજ્યમાં સટોડિયાઓ માટેનું વડુ મથક મહેસાણ જિલ્લાનું ઊંઝા - વિસનગર કહેવાય છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતની વાત કરીએ તો સટોેડિયાઓ મોટાભાગે ઊંઝા - વિસનગર તથા ગોધરાના બુકીઓ પાસે સટ્ટો કપાવે છે. આ ઉપરાંત દમણ, સેલવાસ અને મુંબઈની લાઈન પણ ચાલે છે. અગાઉ અનેકવાર પોલીસ તપાસમાં ઊંઝા - વિસનગર અને ગોધરાના બુકીઓના નામ ખુલ્યા હતા.

  • સટ્ટાની રકમ હવાલાથી દુબઇમાં ઓપરેટરોને પહોંચાડવામાં આવે છે

બ્લેકમનીની મોટાપાયે હેરાફેરી સટ્ટા બેટીંગ દ્વારા કરવામાં આવી રહી હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી, સટ્ટાની રકમ આંગડિયા પેટીમાં જમા કરાવામાં આવે છે. ગુજરાતના સટ્ટાની રકમ મુબઈથી દુબઈ ટેલિફોન ટ્રાન્સફર દ્વારા પહોંચે છે. મુબઇ, દિલ્હી, ગુજરાત અને બેંગ્લોરના બુકીઓ દુબઈના બુકીઓ સાથે કામ કરે છે અને સટ્ટાની રકમ હવાલાથી દુબઈમાં ઓપરેટરોને પહોંચે છે. વર્ષ ૨૦૧૫માં ઈડીની તપાસમાં ગુજરાત અને મુંબઈની આંગડિયા પેઢીઓના નામ પણ ખુલ્યા હતા.

  • હાલમાં સટોડિયાઓ ડમી સિમકાર્ડથી સટ્ટા બેટિંગનું રેકેટ ચલાવી રહ્યા છે

બુકીઓ તેમના શહેરમાંથી સિમકાર્ડ મેળવવાનું ટાળે છે. ઘણા બુકીઓ સીયૂજી કાડ મેળવવા અન્ય શહેરમાં કાગળ પર પોતાની કંપની બનાવે છે. ત્યારબાદ બલ્કમાં સિમકાર્ડ ખરીદે છે. દાત. અમદાવાદનો બુકી વડોદરામાંથી સિમકાર્ડ ખરીદે છે. આ ઉપરાંત સટોડિયાઓને બુકી દ્વારા ખાસ સોફટવેર અપાય છે. સોફટવેર લેપટોપમાં ડાઉનલોડ કર્યા બાદ તેમાં પાસવર્ડ નાખી ઓપરેટ કરાય છે. જે બાદ એકાઉન્ટમાં નાણાં જમા કરાવો તેટલો સટ્ટો રમી શકાય છે.

(11:40 am IST)