Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વલસાડ જિલ્લાના અતુલ નજીક નદીના કિનારે કોઈએ સ્મશાન બનાવી દેતા ગામમાં દોડધામ

અચાનક હલચલ જોવા મળતા ગામના લોકો એલર્ટ : અડધી રાત્રે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા

વલસાડ જિલ્લાના અતુલ નજીક સોમવારે મોડી રાત્રે પાર નદીના કિનારે કોઈએ સ્મશાન બનાવી દેતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. અતુલ કંપનીની પાછળના ભાગે આવેલી જગ્યામાં લાકડા ગોઠવી દેવામાં આવ્યા હતા. અચાનક હલચલ જોવા મળતા ગામના લોકો એલર્ટ થઈ ગયા હતા. પાર નદીના કિનારે લોકો ભેગા થઈ ગયા હતા અને મૃતદેહની અંતિમવિધિ માટે ચિતાઓ તૈયાર કરી દેવામાં આવી હતી. અડધી રાત્રે મોટી સંખ્યામાં લોકો આ મેદાનમાં દોડી આવ્યા હતા

 

કોઈએ આ જગ્યા પર સ્મશાન બનાવી દેતા લોકોમાં રોષની લાગણી વ્યક્ત થઈ છે. કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા મૃતદેહની અંતિમવિધિ માટે એકાએક ગામની નજીક સ્મશાન ઊભું કરાતા ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. બબાલ એટલી મોટી થઈ હતી કે, પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા સમગ્ર હકીકત સામે આવી હતી. જોકે, આ સ્મશાન અડધી રાત્રે કોણે અને શા માટે બનાવ્યું એ અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ, આસપાસના જિલ્લાઓમાં વધી રહેલા મોતને કારણે સ્મશાનમાં લાઈનમાં વારો આવી રહ્યો છે. જ્યારે અતુલ ગામ નજીક નદીના કિનારે લાકડા અને મૃતદેહ ગોઠવી દેવાતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. મોડી રાત્રે ગામના લોકો નિત્યક્રમ અનુસાર નદીમાં માછલી પકડવાની જાળ મુકીને ગામમાં પાછા આવી રહ્યા હતા. એ સમયે ચિતા માટે ગોઠવેલા લાકડા નજરે ચડતા મામલો ગરમાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી હતી. મોડી રાત્રે ગામજનોને સમજાવીને મામલો ઠાળે પાડ્યો હતો .

(11:20 pm IST)