Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

દર્દીઓના શરીર પરથી દાગીના ચોરનારા યુવકની ધરપકડ

કોરનાના મૃતકોના શરીર પરથી દાગીનાની ચોરી : સિવિલમાં કોવિડ હોસ્પિ.માં ડેડબોડી પેકિંગ કરવાનું કામ કરનારે મૃતકના હાથમાંથી સોનાની બંગડી ચોરી કરી હતી

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ દરમિયાન અમુક હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓના મૃતદેહ પરથી સોનાના દાગીના તેમજ તેમની પાસે રહેલી રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની સિવિલમાં દર્દીઓના શરીર પરથી દાગીનાની ચોરીની ઘટના બની હતી. જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર એક યુવકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર આરોપી સાહિલ ઉર્ફે ભૂરિયો મકવાણાની ધરપકડ કરી છે. ભૂરિયાએ એક મૃતક મહિલાના હાથમાંથી ૧.૬૦ લાખની સોનાની બંગડી ચોરી કરી હતી જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. ભૂરિયો સિવિલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ડેડબોડી પેકિંગ કરવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ તેણે આ પ્રકારની ચોરીને અંજામ આપ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.

રિપોર્ટ મુજબ મણીનગરના વકીલવાડીમાં રહેતા એક વ્યક્તિની માતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્ટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના શરીર પરથી સોનાના દાગીના અને હાથની બંગડીઓ ઉતારી લેવાઈ હતી. આ મામલે પુત્રએ શાહીબાગ પોલીસમાં ફરિયાદ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આખા ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૦૨૧ કેસો નોંધાયા છે જ્યારે વધુ ૫૫ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૯૦૭ કેસો નોંધાયા છે અને વધુ ૨૦ દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન સોમવારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી રહી હતી.

(9:49 pm IST)