Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

૫ વર્ષ કે ઓછી ઉંમરના કો-મોર્બિડ બાળકો સંક્રમિત થાય છે

કોરોના વાયરસના સકંજામાં બાળકો : વડોદરાની એસએસજીનું અવલોકન, અન્ય બીમારી ધરાવતા બાળકોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી

વડોદરા,તા.૧૩ : કોરોનાની નવી લહેરમાં બાળકો મોટી સંખ્યામાં પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે સરકારી હોસ્પિટલના પીડીઆટ્રીશીઅન્સ એક નવા ટ્રેન્ડનું અવલોકન કરી રહ્યા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા તેમજ અન્ય કોઈ બીમારીથી પીડાતા હોય તેવા બાળકો વધારે સંક્રમિત થાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જો કે, સારી વાત એ છે કે વયસ્કોની સરખામણીમાં બાળકોમાં સંક્રમણ ઝડપી નથી થતું તેમજ ૮૦ ટકા બાળકોને ઘરે આઈસોલેશન કરવાથી રાહત થઈ જાય છે. એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગનના પ્રોફેસર ડોક્ટર શીલા ઐયર જણાવે છે કે, વર્તમાન સમયમાં પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાના કેસ વધારે જોવા મળે છે.

જેમાં એવા નવજાત બાળકો અને શિશુઓનો પણ સમાવેશ થાય છે જેઓ પહેલાથી અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોય. ડિપાર્ટમેન્ટમાં કોરોનાથી સંક્રમિત સાડા ત્રણ વર્ષના પુરબ નક્ષત્રની સફળ સારવાર કરવામાં આવી હતી જે કિડનીના કેન્સરથી પીડાઈ રહ્યો હતો. ડોક્ટર ઐયર આગળ જણાવે છે કે, અત્યારે એક બાળક એવું છે જેને મગજનો લકવો છે જ્યારે એક બાળક ડાઉન સિન્ડ્રોમનો શિકાર છે. ટુંકમાં કહીએ તો, એવા બાળકો જેમના શારીરિક-માનસિક વિકાસમાં અવરોધ છે તેમની સારવાર ચાલી રહી છે. આ સિવાય કુપોષણને શિકાર હોય તેવા તેમજ મગજનું ટીબી હોય તેવા બાળકો પણ છે અને આ તમામની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે. આમાંથી મોટા ભાગના બાળકો માતા-પિતા, મિત્રો અથવા પરિવારના જ અન્ય વયસ્કોના સંપર્કમાં આવીને સંક્રમિત થયા છે.

ડોક્ટર ઐયર જણાવે છે કે, નવજાત બાળકો ચોક્કસપણે વયસ્કોને કારણે સંક્રમિત થાય છે. વયસ્કોની જેમ બાળકોમાં પણ જો અન્ય કોઈ બીમારીથી પીડાતા હોય તો ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. શરુઆતમાં કોવિડ-૧૯ના બાળ દર્દીઓ મોટાભાગે શહેરી વિસ્તારોમાં જોવા મળતા હતા. હવે દાહોદ, લિમખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરના કેસ પણ હોસ્પિટલમાં છે. માતા-પિતાને ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે કે, જો બાળકને તાવ, ખાંસી અથવા શરદી જેવા લક્ષણો દેખાય તો તેને વાઈરલ ઈન્ફેક્શન સમજીને અવગણો નહીં. આ સિવાય તાવ અને ઝાડા-ઉલટી થયા હોય તો તેને લૂ સમજીને અવગણશો નહીં. આ પ્રકારના લક્ષણો હોય તો કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. માતા-પિતાએ અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

(9:42 pm IST)