Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

દૂધસાગર ડેરી ભાજપ સરકાર સામે પડી : વલણને લઇ ચર્ચા

કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે અપીલ કરાઈ : ડેરીએ પશુપાલકોની બેઠક બોલાવી ભાજપ સરકાર દ્વારા થતી ખોટી હેરાનગતિ મામલે પત્રિકા વહેંચતાં સોપો પડ્યો

અમદાવાદ,તા. ૧૪ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો છે અને ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સ્ટાર પ્રચારકો પોતપોતાના પક્ષના આક્રમક પ્રચાર કરી પ્રચંડ લોકજુવાળ ઉભા કરવામાં જોતરાયા છે ત્યારે બીજીબાજુ, રાજયના અમુક જિલ્લાઓ અને ક્ષેત્રોમાંથી રાજકીય પક્ષોને વિરોધ અને નારાજગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં આવું જ કંઇ વાતાવરણ ભાજપ વિરોધી જોવા મળ્યું હતું. સહકારીક્ષેત્રની નામાંકિત એવી મહેસાણાની દૂધસાગર ડેરી જ હવે ભાજપ સરકાર સામે આકરા પાણીએ આવી હતી અને પશુપાલકોની બેઠકમાં કોંગ્રેસને જીતાડવા અપીલ કરી નાંખી હતી. દૂધસાગર ડેરીના આ વલણને લઇ રાજયના સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, તો ભાજપની છાવણીમાં પણ સોપો પડી ગયો છે.  ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સત્તાપક્ષના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તો સામાપક્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા, કોંગી ધારાસભ્યો, હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજકીય વાતાવરણને ચૂંટણીમય બનાવી તેનો ભરપૂર લાભ ઉઠાવવાના મૂડમાં છે તેવા સમયે મહેસાણાની દૂધસાગર ડેરીના નિર્ણયથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. ડેરીએ આજે પશુપાલકોની બેઠક બોલાવીને ભાજપ સરકાર દ્વારા થતાં ખોટી હેરાનગતિ મામલે પત્રિકા વહેંચી હતી. એટલું જ નહી, વર્તમાન ભાજપની સરકાર સામે બાંયો ચઢાવીને કોંગ્રેસને જીત અપાવવા માટે અપીલ કરી હતી. દૂધસાગર ડેરીની મહેસાણા સ્થિત અર્બુદા હોલ ખાતે ડેરી દ્વારા પશુપાલકોની મિટિંગ યોજાઈ હતી. તેમાં ભાજપ સરકાર ડેરીને ખોટી રીતે હેરાન કરતી હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. ડેરીના વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરીએ મિટિંગમાં જણાવ્યું હતું કે, ડેરીને અન્યાય થતો હોવાથી હવે સરકાર બદલવાની જરૂર છે. ઉત્તર ગુજરાતમાં ડેરી કોંગ્રેસને મદદ કરશે. તેમાં ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઠાકોર સેનાના મહેસાણા પ્રમુખ રામજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોને કોંગ્રેસને જીતાડવા માટે ડેરીના ચેરમેને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી બે જિલ્લા મહેસાણા અને પાટણમાં લાખોની સંખ્યામાં પશુપાલકો માટે જીવનનો આધાર છે. ઉત્તર ગુજરાત ભાજપ માટે બહુ મહત્વનું સ્થાન છે અને તેથી ભાજપની છાવણીમાં આજના ઘટનાક્રમને લઇ સોપો પડી ગયો હતો.

(9:38 pm IST)
  • રશિયન ડોકટરે બતાવ્યું કૈલાશનું રહસ્ય :કહ્યું રાત્રે અંદરથી અવાજ આવે છે ;રશિયન તબીબે કેટલાક વર્ષો પહેલા કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી :તેઓએ દાવો કર્યો કે કૈલાસ વાસ્તવમાં એક પ્રાચીન માનવ નિર્મિત પિરામિડ છે :જે અનેક નાના નાના પીરામીડોથી ઘેરાયેલ છે :તેના તાર ગીજા વ ટીઓથયુંઆકન ( મેક્સિકો )ના પિરામિડથી જોડાયેલ છે access_time 11:31 pm IST

  • ભાજપના સિનિયર નેતાઓ દ્વારા વિપક્ષી લોકોનું ખરીદ વેચાણ :હાર્દિક પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના સિનિયર નેતાઓ દ્વારા ગુજરાતમાં વિપક્ષી લોકોનું ખરીદ વેચાણ થાય છે access_time 11:38 pm IST

  • જો મોદી ફરીવાર વડપ્રધાન બનશે તો આંબેડકરે લખેલું બંધારણ બરબાદ થઇ જશે :કોંગ્રેસ અને જેડીએસની સંયુક્ત જનસભાને સંબોધતા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ કહ્યું કે 282 સીટ જીત્યા બાદ અહંકારમાં ચૂર પીએમ મોદી દેશને બરબાદ કરવા આવ્યા છે access_time 12:52 am IST