Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

PUBG પર પ્રતિબંધ હટાવવાની જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

ખંડપીઠે નોંધ્યું હતું કે,‘આ પિટિશન જાહેરહિતની અરજી જણાતી નથી.

અમદાવાદ:PUBG ગેમ પરના પ્રતિબંધને હટાવવાની જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે નોંધ્યું હતું કે,‘આ પિટિશન જાહેરહિતની અરજી જણાતી નથી.’ આ મામલે રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘આ ગેમ પરનો પ્રતિબંધ ગેરબંધારણીય છે. સંબંધિત જિલ્લા કલેક્ટર્સ અને પોલીસ કમિશનર્સ દ્વારા જાહેર કરાયેલાં જાહેરનામા પણ મનસ્વી પ્રકારના છે.’

    ઇન્ટરનેટ સંબંધિત હકો માટે કામગીરી કરતી એક સંસ્થાની અરજી હતી કે વીડિયો ગેમ PUBG(પ્લેયર્સ અનનોન બેટલ ગ્રાઉન્ડ) યુવાનોમાં લોકપ્રિય છે. ગેમના કારણે યુવાનોમાં હિંસાની ભાવના વધે છે તે ઉપરાંત સુરક્ષા જોખમમાં મૂકાય છે. આવા કારણોસર મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

   ઉપરાંત જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિઓ સામે આઇ.પી.સી.ની ધારા ૧૮૮ અને બોમ્બે પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી કરવાની સૂચના પણ અપાઈ છે. મનોરજંન માટે કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી તેની પસંદગીની દરેક નાગરિકને સ્વતંત્રતા હોવી જોઇએ. નાગરિકોના બંધારણી હકો પર પોલીસ અને વહીવટી તંત્ર આવી રીતે તરાપ ન મારી શકે.’ 

   રિટમાં એવો આક્ષેપ કરાયો હતો કે કોઇ અભ્યાસ કે સર્વે વિના તંત્ર એવા તારણ પર આવ્યું છે કે આ ગેમના કારણે લોકોમાં હિંસક વૃત્તિ વધે છે અને સુરક્ષા જોખમાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૧ વ્યક્તિની આ ગેમ રમવાના આરોપમાં ધરપકડ થઇ છે, જે પૈકી ૧૪ વ્યક્તિ કોલેજના વિદ્યાર્થીઓ છે. વીડિયો ગેમ રમવા બદલ થયેલી ધરપકડના કારણે તેમના માનસ અને કારકિર્દી પર વિપરિત અસર પડી છે. તેથી હાઇકોર્ટના આદેશથી આ પ્રતિબંધ સત્વરે હટવો જોઇએ.

(6:34 pm IST)